ગુજરાત વર્ષ 2030 સુધીમાં ભારતનું અગ્રણી બાયોટેકનોલોજી અને બાયો-મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ લક્ષ્ય હાંસલ કરવા માટે કુશળ માનવબળ તૈયાર કરવું, વિશિષ્ટ શિક્ષણને પ્રોત્સાહન આપવું અને ઉદ્યોગલક્ષી ક્ષમતાઓ વિકસાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
GRIT દ્વારા તૈયાર કરાયેલા 'ગુજરાત બાયો-ઇકોનોમી 2030: સ્ટ્રેટેજિક સ્કિલ આર્કિટેક્ચર એન્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ' નામના અહેવાલમાં જણાવાયું છે કે ભારતની બાયો-ઇકોનોમી વર્ષ 2014માં અંદાજે 10 અબજ ડોલર (આશરે ₹94,360 કરોડ) હતી, જે વર્ષ 2024 સુધીમાં વધીને 150 અબજ ડોલરથી વધુ (આશરે ₹14 લાખ કરોડ) થઈ ગઈ છે.
સરકારે જણાવ્યું છે કે આગામી વર્ષોમાં ગુજરાત બાયો-ઇકોનોમી ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવવા માટે સજ્જ છે. હાલમાં ભારતના કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનનો અંદાજે 40 ટકા હિસ્સો ગુજરાતમાં થાય છે, જ્યારે રાજ્ય દેશના સૌથી મોટા કેમિકલ ઉત્પાદન કેન્દ્રોમાં પણ સામેલ છે.
અહેવાલ મુજબ બાયો-ફાર્મા ક્ષેત્રનો 35 ટકા, બાયો-ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રનો 47 ટકા અને બાયો-એગ્રીકલ્ચર ક્ષેત્રનો 8 ટકા હિસ્સો બાયો-ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
સરકારે વધુમાં જણાવ્યું કે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી પોલિસી 2022-27 રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાને બાયો-ઇકોનોમી ક્ષેત્રમાં અગ્રણી સ્થાન અપાવવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવી છે.
GRITના અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતનું લક્ષ્ય માત્ર જનરિક દવાઓના ઉત્પાદન સુધી મર્યાદિત નથી, પરંતુ રાજ્ય નવીન બાયોલોજિક્સ (Innovative Biologics)ના વિકાસમાં પણ દેશનું અગ્રણી કેન્દ્ર બનવા માંગે છે.
અહેવાલમાં ગુજરાતની 23 શૈક્ષણિક સંસ્થાઓ નો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે બાયોટેકનોલોજી અને સંબંધિત અભ્યાસક્રમો ચલાવે છે. અભ્યાસ મુજબ રાજ્યનું શૈક્ષણિક માળખું મજબૂત છે અને તેમાં વિકાસની નોંધપાત્ર સંભાવનાઓ છે. સાથે જ અહેવાલમાં સૂચન કરવામાં આવ્યું છે કે અભ્યાસક્રમોને બાયોટેક ઉદ્યોગના બદલાતા વલણો સાથે વધુ સુસંગત બનાવવાની જરૂર છે, જેથી ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરી શકાય.
GRITના આ અહેવાલ મુજબ, યોગ્ય નીતિઓ, મજબૂત ઔદ્યોગિક માળખું, સંશોધન અને કુશળ માનવબળના વિકાસ દ્વારા ગુજરાત વર્ષ 2030 સુધીમાં ભારતના બાયોટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ