ખેતીની જમીનમાંથી વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર (પાયલોન) પસાર કરવા બદલ મળતા વળતર અંગે ખેડૂતોના સંગઠનો દ્વારા કરવામાં આવેલા વિરોધ વચ્ચે ગુજરાત સરકારે શુક્રવારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ખેડૂતોને મળતું વળતર જંત્રીના દરને બદલે હાલના બજારભાવના બમણા દરે ચૂકવવામાં આવશે.
સરકારે દરેક જિલ્લામાં માર્કેટ રેટ કમિટી (MRC) બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ, ખેડૂતો તરફથી અધિકૃત મૂલ્યાંકનકારો (વેલ્યુએટર્સ) તેમજ ટ્રાન્સમિશન કંપનીઓના અધિકૃત મૂલ્યાંકનકારોને સામેલ કરવામાં આવશે, જેથી ખેડૂતોને યોગ્ય અને વાજબી વળતર મળી શકે.
સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, "મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક બેઠકો યોજી હતી અને વહીવટીતંત્રને ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી. તેના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેતીની જમીનમાંથી વીજના થાંભલા અને ટ્રાન્સમિશન લાઇન પસાર કરવા માટે મળતું વળતર હાલની 200 ટકા જંત્રી કિંમતના આધારે નહીં પરંતુ પ્રવર્તમાન બજારભાવના બમણા દરે ચૂકવવામાં આવશે."
સરકારે ટાવરના પાયાના વિસ્તાર માટે મળતા વળતરમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી વળતર માત્ર ટાવરના વાસ્તવિક પાયાના વિસ્તારના આધારે ચૂકવાતું હતું. હવે નવી નીતિ મુજબ ટાવરના પાયાની ચારેય બાજુ એક-એક મીટર વધારાનો વિસ્તાર ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, 765 કિલોવોલ્ટની ટ્રાન્સમિશન લાઇન માટે વળતરપાત્ર વિસ્તાર અગાઉ 625 ચોરસ મીટર હતો, જે હવે વધીને 729 ચોરસ મીટર થશે.
સરકારે હપ્તાવાર વળતર ચૂકવવાની જૂની પદ્ધતિ પણ રદ કરી છે. અગાઉ વળતર ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવતું હતું જેમાં પાયાનું કામ શરૂ થાય ત્યારે 40 ટકા, ટાવર ઉભો થાય ત્યારે 40 ટકા અને ટ્રાન્સમિશન લાઇનનું કામ પૂર્ણ થયા બાદ બાકીના 20 ટકા ચૂકવવામાં આવતા હતા.
નવી નીતિ અનુસાર હવે સમગ્ર 100 ટકા વળતર કામ શરૂ થાય તે પહેલાં જ એકસાથે ખેડૂતોને ચૂકવી દેવામાં આવશે.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે ટ્રાન્સમિશન લાઇનના રાઇટ ઑફ વે (RoW) કોરિડોર હેઠળ મળતું વળતર હવે માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા બજારભાવ સાથે જોડવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને બજારભાવના 30 ટકા, નગરપાલિકા વિસ્તારના ખેડૂતોને 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારના ખેડૂતોને બજારભાવના 60 ટકા જેટલું વળતર ચૂકવવામાં આવશે.
સરકારે વધુમાં જણાવ્યું કે જેમના વળતરનો દર અગાઉની નીતિ મુજબ નક્કી થઈ ગયો હતો પરંતુ સંબંધિત ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટનું કામ હજુ ચાલુ છે, તેવા ખેડૂતોને પણ નવી વળતર નીતિનો લાભ આપવામાં આવશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ