સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ઝડપથી બદલાતા વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિદૃશ્યને ધ્યાનમાં લેતા આગામી દાયકાઓમાં વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા તેની આત્મનિર્ભરતા, ટેક્નોલોજીકલ ક્ષમતા અને સામૂહિક સંકલ્પ પર નિર્ભર રહેશે.

વડોદરામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતા તેમણે કહ્યું, "ઇતિહાસ આપણને શીખવે છે કે મહાન રાષ્ટ્રો ત્રણ મુખ્ય સ્તંભો પર ઊભા રહે છે—આર્થિક શક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને રાષ્ટ્રીય સુરક્ષા. આર્થિક સમૃદ્ધિ અને ટેક્નોલોજીકલ પ્રગતિ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવે છે, જ્યારે સુરક્ષિત રાષ્ટ્ર ઉદ્યોગ અને નવીનતાના વિકાસ માટે સ્થિરતા પ્રદાન કરે છે."

રાજનાથ સિંહે વાઇબ્રન્ટ ગુજરાતને વિકસિત ભારત 2047ના વિઝન સાથે જોડાયેલું એક આંદોલન ગણાવ્યું અને જણાવ્યું કે ગુજરાત પાસે દેશનું અગ્રણી ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સ ટેક્નોલોજી હબ બનવાની વિશાળ ક્ષમતા છે.

તેમણે કહ્યું, "વિકસિત ભારત માત્ર આર્થિક વિકાસનું લક્ષ્ય નથી, પરંતુ આર્થિક રીતે સમૃદ્ધ, ટેક્નોલોજીકલ રીતે સક્ષમ અને સામાજિક રીતે સશક્ત દેશ બનાવવાનો સંકલ્પ છે." તેમણે પ્રાદેશિક ઉદ્યોગોને આ યાત્રામાં ભાગીદાર બનવા અપીલ કરી અને કહ્યું કે પ્રાદેશિક શક્તિને રાષ્ટ્રીય ક્ષમતામાં, સ્થાનિક નવીનતાને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં અને ઔદ્યોગિક વિકાસને વ્યૂહાત્મક શક્તિમાં પરિવર્તિત કરવાની જરૂર છે.

સંરક્ષણ પ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ડિફેન્સ સેક્ટરનો વિકાસ માત્ર હથિયારો અને ટેક્નોલોજીના ઉત્પાદન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર આર્થિક ઇકોસિસ્ટમને ગતિ આપે છે.

તેમણે જણાવ્યું, "આત્મનિર્ભર ભારત હેઠળ અમે એરોસ્પેસ અને ડિફેન્સ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સ્વદેશી ક્ષમતાઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. મેક ઇન ઇન્ડિયા, ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજરની સમીક્ષા અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ જેવી પહેલો આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે."

રાજનાથ સિંહે જણાવ્યું કે ગુજરાતનો મજબૂત ઔદ્યોગિક આધાર, કુશળ માનવબળ અને ઉદ્યોગસાહસિક ભાવના તેને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સક્ષમ બનાવે છે. તેમણે ઉમેર્યું કે અદ્યતન ઉત્પાદનથી લઈને અત્યાધુનિક સંશોધન સુધી ગુજરાત પાસે ડિફેન્સ ઉત્પાદન અને ટેક્નોલોજીનું મુખ્ય કેન્દ્ર બનવાની ક્ષમતા છે.

તેમણે ખાસ કરીને વડોદરામાં સ્થિત ટાટા-એરબસ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનો ઉલ્લેખ કર્યો, જ્યાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે ભારતીય સેનાની સ્ટ્રાઈક ક્ષમતામાં વધારો કરનાર વિશ્વની સૌથી અદ્યતન K-9 વજ્રા સ્વચાલિત તોપ પ્રણાલીઓમાંથી એકનું ઉત્પાદન પણ ગુજરાતમાં થઈ રહ્યું છે.

અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સાનંદ અને ધોલેરામાં વિકસાવવામાં આવી રહેલું સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભારતની ટેક્નોલોજીકલ સ્વાયત્તતાનો મજબૂત આધારસ્તંભ સાબિત થશે.