જામનગરના યુવા ફિલ્મમેકર ક્રિશાંગ વડગામાની શોર્ટ ફિલ્મ ”લોસ્ટ એન્ડ ફાઉન્ડ” ને વધુ એક મોટી સિદ્ધિ મળી છે. પુણે, મહારાષ્ટ્ર ખાતે યોજાયેલા ગ્લોબલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને ‘બેસ્ટ ડ્રામા 2026 – શોર્ટ ફિલ્મ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

આ સમગ્ર ફિલ્મનું શૂટિંગ જામનગરમાં કરવામાં આવ્યું છે. ફિલ્મને અત્યાર સુધી 11 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ઓફિશિયલ સિલેક્શન મળ્યું છે અને વિવિધ મંચો પર પ્રદર્શિત કરવામાં આવી છે.

ફિલ્મમાં જાણીતા સ્વર્ગસ્થ ગુજરાતી અભિનેતા જય વિઠલાણીના પુત્ર દર્શ વિઠલાણી, યોગ ધ્રુવે અને સુગ્નેશ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે ક્રિશાંગ વડગામાએ એકલા હાથે ફિલ્મના લેખન, દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી, એડિટિંગ, ડી.આઈ., સાઉન્ડ ડિઝાઇનિંગ અને પ્રોડક્શન સહિતની તમામ મહત્વની જવાબદારીઓ નિભાવી છે.

ફિલ્મ હાલમાં યુટ્યુબ પર ઉપલબ્ધ છે, જેથી દર્શકો તેને નિહાળી શકે છે. ઉપરાંત, ક્રિશાંગ વડગામા જામનગરના પ્રથમ એવા દિગ્દર્શક બન્યા હોવાનું જણાવવામાં આવે છે જેમની ફિલ્મ IMDb પર નોંધાઈ છે. આ સિદ્ધિ જામનગરના ફિલ્મક્ષેત્ર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલા આ સન્માનથી જામનગરનું નામ ફિલ્મ જગતમાં વધુ ઉજ્જવળ બન્યું છે અને સ્થાનિક પ્રતિભાને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવામાં ક્રિશાંગ વડગામાની આ સિદ્ધિ મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

YouTube Link

https://youtu.be/ExoU8BoEVvU?si=8P3qimy2Qhcb96DH