વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે ઇન્ડોનેશિયાના ઐતિહાસિક પ્રમ્બાનન મંદિર સંકુલની મુલાકાતે પહોંચ્યા હતા. લગભગ 1,000 વર્ષ જૂના આ ભવ્ય હિન્દુ મંદિર ખાતે બંને નેતાઓએ પૂજા-અર્ચના કરી અને મંદિરના સંરક્ષણ માટે ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે શરૂ થયેલા સંયુક્ત જીર્ણોદ્ધાર પ્રોજેક્ટને નવી દિશા આપી.
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સાંસ્કૃતિક સહયોગને મળશે વેગ
મંદિરની મુલાકાત એક દિવસ પહેલાં બંને દેશો વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સહમતી બાદ થઈ હતી. ભારત અને ઇન્ડોનેશિયાએ પ્રમ્બાનન મંદિરના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે સંયુક્ત સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશોએ આ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) ની આપ-લે કરી હતી.
આ પહેલ ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી' હેઠળ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
દક્ષિણ-પૂર્વ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર
જાવા દ્વીપ પર આવેલા પ્રમ્બાનન મંદિરને ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર અને દક્ષિણ-પૂર્વ એશિયાનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર માનવામાં આવે છે. લગભગ 40 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ મંદિર સંકુલમાં મૂળરૂપે લગભગ 240 મંદિરો હતા.
નવમી સદીમાં હિન્દુ મતરામ સામ્રાજ્ય દરમિયાન રાજા રકાઈ પિકાતનના શાસનમાં મંદિરનું નિર્માણ શરૂ થયું હતું, જે બાદમાં તેમના ઉત્તરાધિકારી લોકપાલાના સમયમાં પૂર્ણ થયું હતું.
ભગવાન શિવને સમર્પિત સૌથી ઊંચું મંદિર
પ્રમ્બાનન મંદિર સંકુલના કેન્દ્રમાં ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત ત્રણ મુખ્ય મંદિરો આવેલા છે. તેમાં ભગવાન શિવનું મંદિર સૌથી વિશાળ છે, જેની ઊંચાઈ લગભગ 47 મીટર છે.
મંદિરની દિવાલો પર રામાયણ અને અન્ય હિન્દુ મહાકાવ્યોના પ્રસંગોને દર્શાવતી સુંદર કોતરણી કરવામાં આવી છે, જે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક અને વેપારી સંબંધોની સાક્ષી આપે છે.
અનેક પડકારો છતાં બચી રહ્યું ઐતિહાસિક વારસો
ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, 10મી સદીમાં રાજકીય પરિવર્તન અને નજીક આવેલા માઉન્ટ મેરાપી જ્વાળામુખીની પ્રવૃત્તિ બાદ મંદિર ધીમે-ધીમે ત્યજી દેવામાં આવ્યું હતું. બાદમાં ભૂકંપોના કારણે મંદિરને ભારે નુકસાન થયું.
19મી સદી દરમિયાન ડચ શાસનકાળમાં મંદિરના સંરક્ષણનું કામ શરૂ થયું હતું, જ્યારે વર્ષ 1913થી 1953 દરમિયાન મોટા પાયે પુરાતત્વીય પુનઃનિર્માણ કરીને મુખ્ય મંદિરોને ફરીથી ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું.
વર્ષ 1991માં યુનેસ્કોએ પ્રમ્બાનન મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપી હતી. આજે આ મંદિર ઇન્ડોનેશિયાના સૌથી લોકપ્રિય સાંસ્કૃતિક અને ધાર્મિક પર્યટન સ્થળોમાંનું એક છે.
ભારત-ઇન્ડોનેશિયા સંબંધોને મળશે નવી મજબૂતી
ભારતના સહયોગથી શરૂ થનારો આ સંયુક્ત જીર્ણોદ્ધાર પ્રોજેક્ટ માત્ર ઐતિહાસિક વારસાના સંરક્ષણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક, ધાર્મિક અને નાગરિકતા આધારિત સંબંધોને વધુ મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ પગલું પણ માનવામાં આવી રહ્યું છે. બંને દેશોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ