વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર સૈન્ય તણાવ અને સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધોના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કચ્છું તેલ) પ્રતિ બેરલ $111 ની સપાટી વટાવી ચૂક્યું છે. આ વૈશ્વિક ભડકાની સીધી અને આકરી અસર ભારતીય અર્થતંત્ર અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડવી શરૂ થઈ ગઈ છે. આજે સવારથી જ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંદાજે ₹3 પ્રતિ લીટર નો ઝીંકાયેલો તોતિંગ ભાવવધારો મધ્યમવર્ગની કમર તોડવા માટે પૂરતો સાબિત થયો છે.
શેરબજાર લોહીલુહાણ: સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો
વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ અને મોંઘવારી વધવાના ડરે માત્ર ભારતીય જ નહીં, પરંતુ અમેરિકાથી લઈને જાપાન સુધીના શેરબજારો ધડાધડ તૂટ્યા છે. ભારતીય શેરબજારમાં આજે જાણે 'કત્લેઆમ' જેવો માહોલ સર્જાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 899 પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 260 થી વધુ પોઇન્ટ તૂટી પડતાં રોકાણકારોના અબજો રૂપિયા ધોવાઈ ગયા છે. આ સાથે જ અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો ઘસાઈને 96.19 ના ઓલ-ટાઇમ નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે ભારતીય આયાતકારો માટે ખતરાની ઘંટડી સમાન છે.
સોના-ચાંદી અને ઇંધણના ભાવ
વૈશ્વિક અર્થતંત્રમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ અને પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ) ના તણાવની સીધી અસરે સ્થાનિક બજારોને હચમચાવી દીધા છે. આજે સોમવારે સવારથી જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો ડબલ આંચકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને યુએસ ડૉલર મજબૂત થવાને કારણે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઇંધણના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. બીજી તરફ, રોકાણકારો માટે સુરક્ષિત આશ્રય ગણાતા સોના અને ચાંદીના ભાવ પણ લગ્નની સીઝન વચ્ચે નવી ઐતિહાસિક સપાટીઓ તરફ આગળ વધી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ