આઇઆઇટી રૂર્કી (IIT Roorkee) દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા 'JEE Advanced ૨૦૨૬' નું પરિણામ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે દેશભરમાંથી કુલ ૧,૭૯,૬૯૪ વિદ્યાર્થીઓ બંને પેપરમાં હાજર રહ્યા હતા, જેમાંથી કડક કટ-ઓફ ગુણ પાર કરીને કુલ ૫૬,૮૮૦ વિદ્યાર્થીઓ આઇઆઇટી (IIT) માં પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય જાહેર થયા છે. ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં ૪૬,૭૭૩ વિદ્યાર્થીઓ અને ૧૦,૧૦૭ વિદ્યાર્થીનીઓ સામેલ છે.

ઓલ ઇન્ડિયા ટોપર્સ: પ્રથમ ત્રણેય ક્રમે દિલ્હી ઝોનનો કબજો

આ વર્ષના ટોપર્સ લિસ્ટમાં આઇઆઇટી દિલ્હી ઝોન (IIT Delhi Zone) ના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને બાજી મારી છે:

  • ઓલ ઇન્ડિયા રેન્ક-૧ (AIR 1): શુભમ કુમારે ૩૬૦માંથી ૩૩૦ ગુણ મેળવીને દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શુભમે અગાઉ JEE Main પરીક્ષામાં પણ AIR ૬ મેળવ્યો હતો.

  • AIR 2 અને 3: દિલ્હી ઝોનના જ કબીર છિલ્લરે ૩૨૯ ગુણ સાથે દેશમાં બીજું અને જતિન ચાહરે ૩૧૯ ગુણ સાથે ત્રીજું સ્થાન હાસિલ કર્યું છે.

  • ફિમેલ ટોપર (ગર્લ્સ ટોપર): છોકરીઓમાં આઇઆઇટી દિલ્હી ઝોનની જ આરોહી દેશપાંડે ૨૮૦ માર્ક્સ (ઓવરઓલ AIR ૭૭) સાથે દેશભરમાં મોખરે રહી છે.

ઝોન વાઇઝ પ્રદર્શન: મદ્રાસ ઝોનમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ

જો ઝોન વાઇઝ પરિણામ પર નજર કરીએ તો, સૌથી વધુ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ IIT મદ્રાસ ઝોન (૧૪,૨૯૪) માંથી નોંધાયા છે. જ્યારે દિલ્હી ઝોન ટોપર્સ આપવાની બાબતમાં આગળ રહ્યો છે.

આજથી દેશભરમાં JoSAA કાઉન્સિલિંગ અને ચોઈસ ફિલિંગનો પ્રારંભ

પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ માટે દેશની ૨૩ IIT, ૩૨ NIT, ૨૬ IIIT અને અન્ય સરકારી ગ્રાન્ટેડ એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે આજથી (૨ જૂન) 'JoSAA ૨૦૨૬' (Joint Seat Allocation Authority) ની સેન્ટ્રલાઈઝ્ડ કાઉન્સિલિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો સત્તાવાર પોર્ટલ josaa.nic.in પર જઈને પોતાની મનપસંદ કોલેજ અને એન્જિનિયરિંગ બ્રાન્ચ માટે ઓનલાઇન ચોઈસ ફિલિંગ કરી શકશે.