કુદરતના આકરા મિજાજ અને હિમાલયના કઠોર પડકારો સામે આખરે માનવીય સંકલ્પ અને અદભુત ઈજનેરી કૌશલ્યનો ભવ્ય વિજય થયો છે. દર વર્ષે શિયાળાના ચારથી પાંચ મહિના સુધી કાશ્મીર ખીણને લદ્દાખથી સંપૂર્ણપણે અલગ કરી દેતા બરફના સામ્રાજ્યને ભેદીને ઝોજિલા ટનલના નિર્માણમાં એક ઐતિહાસિક સફળતા મળી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીની ઉપસ્થિતિમાં ટનલના અંતિમ ખડકને બ્લાસ્ટ કરીને બંને છેડાને સફળતાપૂર્વક જોડી દેવામાં આવ્યા છે (બ્રેકથ્રુ). આ સાથે જ શ્રીનગર અને લેહ વચ્ચે બારેમાસ અવિરત સફરનું દાયકાઓ જૂનું સપનું હવે સાકાર થવા તરફ આગળ વધી રહ્યું છે.
સમુદ્ર સપાટીથી આશરે ૧૧,૫૭૮ ફૂટની વિક્રમી ઊંચાઈએ આકાર લઈ રહેલી આ ૧૩.૧૫ કિલોમીટર લાંબી ટનલ એશિયાની સૌથી લાંબી સિંગલ-ટ્યુબ બાય-ડિરેક્શનલ ટનલ છે. અત્યાર સુધી ભારે હિમવર્ષા, માઇનસ ડિગ્રી તાપમાન અને જીવલેણ હિમપ્રપાત (એવલાન્ચ)ના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧ પર આવેલો ઝોજિલા પાસ બંધ થઈ જતો હતો, જેના કારણે લદ્દાખના સ્થાનિક નાગરિકો આખા દેશથી કપાઈ જતા હતા. આ ટનલ કાર્યરત થવાથી માત્ર બરફની દીવાલો જ નથી પીગળી, પરંતુ શ્રીનગર અને લેહ વચ્ચેનું ભૌગોલિક અંતર જે કાપવામાં અગાઉ ૩ કલાક જેટલો સમય જતો હતો, તે હવે માત્ર ૧૫ થી ૨૦ મિનિટની સુરક્ષિત સફરમાં રૂપાંતરિત થઈ જશે.
ભાવનાત્મક જોડાણ અને દેશની સુરક્ષા માટે જીવાદોરી આ માત્ર કોંક્રિટ અને પથ્થરોનું જોડાણ નથી, પરંતુ આ પ્રદેશના લોકોની સંવેદનાઓ અને રોજિંદા સંઘર્ષનો અંત લાવનારો એક સેતુ છે. શિયાળાની ઋતુમાં તબીબી કટોકટી, જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત અને પોતાના પરિવારથી દૂર રહેવાની મજબૂરી હવે ભૂતકાળ બની જશે. સ્થાનિક વહીવટીતંત્ર અને એન્જિનિયરોની દિવસ-રાતની મહેનતને કારણે આ અશક્ય લાગતું કાર્ય શક્ય બન્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ આ ટનલ ભારત માટે ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, કારણ કે આનાથી કારગિલ અને લેહ સરહદ પર તૈનાત ભારતીય સૈન્ય માટે બારેમાસ પુરવઠો અને સૈનિકોની અવરજવર અત્યંત સરળ બની રહેશે.
મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) દ્વારા ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ (NATM)થી નિર્માણ પામી રહેલી આ ટનલ હાઇ-ટેક સેફ્ટી સિસ્ટમ, વેન્ટિલેશન અને ઓટોમેટિક લાઇટિંગથી સજ્જ હશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ