ગ્રામ્ય મહિલાઓને સ્વરોજગાર અને ડિજિટલ સશક્તિકરણ તરફ આગળ વધારવાના હેતુથી લાલપુર તાલુકા પંચાયત ખાતે સખી મંડળ દ્વારા સંચાલિત કેન્ટીન, હેલ્પ ડેસ્ક અને કોમ્પ્યુટર લેબની શરૂઆત કરવામાં આવી છે.

જામનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકાના તલાટી-કમ-મંત્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવાનો, તેમની આવકમાં વધારો કરવાનો તેમજ સરકારી સેવાઓ અને યોજનાઓ સાથે વધુ અસરકારક રીતે જોડવાનો છે.

તાલુકા પંચાયત પરિસરમાં શરૂ કરાયેલી કેન્ટીનથી અહીં આવતા નાગરિકો અને સરકારી કર્મચારીઓને સ્વચ્છ, ગુણવત્તાસભર અને સરળતાથી ઉપલબ્ધ નાસ્તા તેમજ ભોજનની સુવિધા મળશે.

સાથે જ શરૂ કરાયેલા હેલ્પ ડેસ્ક અને કોમ્પ્યુટર લેબ દ્વારા સખી મંડળની બહેનો તેમજ સ્થાનિક મહિલાઓને વિવિધ ઓનલાઈન સેવાઓ, ડિજિટલ કામગીરી, દસ્તાવેજ સંબંધિત પ્રક્રિયાઓ અને સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી પહેલોથી ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આત્મનિર્ભર બનવામાં પ્રોત્સાહન મળશે તેમજ તેમના આર્થિક અને સામાજિક સશક્તિકરણને નવી દિશા મળશે.