લોકસભાએ બુધવારે Public Examination (Prevention of Unfair Means) Amendment Bill, 2026 ધ્વનિમતથી પસાર કર્યો. આ સુધારા બિલનો હેતુ જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓ સામે વધુ કડક કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે. સરકારનું કહેવું છે કે 2024ના કાયદાના અમલ દરમિયાન મળેલા અનુભવ અને તાજેતરના પેપર લીકના બનાવોને ધ્યાનમાં રાખીને આ સુધારા કરવામાં આવ્યા છે.
બિલમાં શું બદલાયું?
સુધારા બિલમાં પેપર લીકના કેસોમાં ઝડપી તપાસ, ઝડપી સુનાવણી અને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્ય જોગવાઈઓ આ મુજબ છે:
- દરેક રાજ્યમાં પેપર લીક સંબંધિત કેસોની સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાની જોગવાઈ.
- પેપર લીકના કેસોની તપાસ બે મહિનામાં પૂર્ણ કરવાની સમયમર્યાદા.
- પેપર લીકમાં દોષિત ઠરનાર વ્યક્તિને મહત્તમ 10 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
- સંગઠિત રીતે પેપર લીક કરાવતા સિન્ડિકેટ અથવા ગુનાહિત નેટવર્ક સામે ₹10 કરોડ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ.
સરકારનું શું કહેવું છે?
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં બિલ રજૂ કરતાં જણાવ્યું કે સરકાર જાહેર પરીક્ષાઓની વિશ્વસનીયતા જાળવવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે 2024નો કાયદો અમલમાં આવ્યા બાદના અનુભવના આધારે આ સુધારા લાવવામાં આવ્યા છે જેથી પેપર લીકના કેસોમાં ઝડપથી કાર્યવાહી થઈ શકે અને ગેરરીતિઓ પર અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય.
તેમણે લોકસભામાં જણાવ્યું કે 2024નો કાયદો અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી પેપર લીક સંબંધિત 52 FIR નોંધાઈ છે. તેમના જણાવ્યા અનુસાર આ સુધારા પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવશે.
સંસદમાં ચર્ચા દરમિયાન હોબાળો
બિલ પર ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાદ-વિવાદ જોવા મળ્યો. વિપક્ષે તાજેતરના પેપર લીકના બનાવો અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો, જ્યારે સરકારે દલીલ કરી કે પેપર લીકની ઘટનાઓ વિવિધ રાજ્યો અને અલગ-અલગ સરકારોના સમયમાં પણ બની છે. સરકારે આ મુદ્દાને રાજકીય રંગ ન આપવાની અપીલ કરી.
બિલ શા માટે મહત્વનું છે?
તાજેતરના વર્ષોમાં ભરતી પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીકની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના કારણે લાખો ઉમેદવારોના ભવિષ્ય પર અસર પડી છે અને પરીક્ષા પ્રણાલી પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ ડગમગ્યો છે.
સરકારનું માનવું છે કે ઝડપી તપાસ, ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈથી સંગઠિત પેપર લીક રેકેટ સામે અસરકારક કાર્યવાહી શક્ય બનશે અને જાહેર પરીક્ષાઓ વધુ પારદર્શક અને વિશ્વસનીય બની શકશે.
શું માત્ર કાયદાથી પેપર લીક અટકી જશે?
નિષ્ણાતોનું માનવું છે કે કડક કાયદો મહત્વપૂર્ણ છે, પરંતુ માત્ર કાયદાથી જ પેપર લીક સંપૂર્ણપણે અટકશે નહીં. તેના માટે પરીક્ષા પ્રક્રિયામાં ડિજિટલ સુરક્ષા મજબૂત કરવી, પ્રશ્નપત્રની છાપકામ અને વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવો, તપાસ એજન્સીઓ વચ્ચે વધુ સંકલન અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવી પણ એટલી જ જરૂરી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ