નર્મદા નદી સાથે જોડાયેલા ચાર રાજ્ય – મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર – વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટના પાણીમાં ડૂબેલા વિસ્તારોના વિસ્થાપિતોના પુનર્વસન અને જમીન વળતર સંબંધિત દાયકાઓથી પેન્ડિંગ રહેલા ચુકવણી સંબંધિત મુદ્દાના સમાધાન માટે સમજૂતી થઈ છે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દે ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

સમજૂતી બાદ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અનેક રાજ્યોમાં ડબલ એન્જિન સરકારોની રચના થતાં રાજ્યો વચ્ચે પરસ્પર સમજણ વધી છે, રાજકીય મતભેદો ઘટ્યા છે અને વર્ષોથી અટવાયેલા અનેક આંતરરાજ્ય વિવાદોના ઉકેલમાં ઝડપ આવી છે.

તેમણે જણાવ્યું કે આ કરાર મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણ ખર્ચના વહેંચણી સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોના નિરાકરણમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. એકમુષ્ટ (વન-ટાઈમ સેટલમેન્ટ) વ્યવસ્થા હેઠળ બાકી રહેલી તમામ ચૂકવણીઓના અંતિમ સમાધાન પર સહમતી થઈ છે.

અમિત શાહે ચારેય રાજ્ય સરકારોના સહકારની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ મહત્વપૂર્ણ આંતરરાજ્ય પ્રોજેક્ટ માટે સર્વસંમતિ બનાવવામાં તમામ રાજ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમના જણાવ્યા મુજબ સરદાર સરોવર પ્રોજેક્ટનો સૌથી વધુ લાભ ખાસ કરીને મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનને થયો છે.

તેમણે કહ્યું કે બંધ પૂર્ણ થતાં આ રાજ્યોના અનેક વિસ્તારોમાં પીવાનું અને સિંચાઈનું પાણી તેમજ વીજળીનો લાભ પહોંચ્યો છે, જેના કારણે કૃષિ અને ગ્રામ વિકાસને નવી ગતિ મળી છે.

રાજસ્થાન અંગે તેમણે જણાવ્યું કે શરૂઆતમાં આ રાજ્યને મળતો લાભ મર્યાદિત લાગતો હતો, પરંતુ જ્યાં નર્મદાનું પાણી પહોંચ્યું છે ત્યાં જમીનની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે.

ગૃહમંત્રીએ હરિયાણા અને રાજસ્થાન વચ્ચે કિશાઉ ડેમ પ્રોજેક્ટ અંગે થયેલા વિવાદના ઉકેલ તેમજ નર્મદા પ્રોજેક્ટ અંગે થયેલી આ સમજૂતીને 'સહકારી સંઘવાદ (Cooperative Federalism)' નું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. તેમણે કહ્યું કે રાજ્યો વચ્ચે સંવાદ અને સહકાર દ્વારા દેશના લાંબા સમયથી અટવાયેલા વિકાસલક્ષી પ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ શક્ય બન્યું છે.