ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે તેની હોમ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ્સ માટે ટાઇટલ સ્પોન્સરશિપના અધિકારો (Title Sponsorship Rights) માટે બિડિંગ પ્રક્રિયા શરૂ કરી છે. હાલના ટાઇટલ સ્પોન્સર IDFC FIRST Bank સાથેનો કરાર ઓગસ્ટ 2026માં પૂર્ણ થવાનો હોવાથી BCCIએ નવા સ્પોન્સરની પસંદગી માટે Invitation to Tender (ITT) બહાર પાડ્યું છે.
BCCIના સચિવ દેવજિત સૈકિયા દ્વારા જાહેર કરાયેલા મીડિયા નિવેદન મુજબ, ભારતીય રમતગમત ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત સ્પોન્સરશિપ કરારોમાંના એક માટે પાત્ર કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ITT દસ્તાવેજ મેળવવા ઇચ્છુક કંપનીઓએ ₹1 લાખ (GST ઉપરાંત) પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.
ટાઇટલ સ્પોન્સરશિપ માટે બિડિંગ પ્રક્રિયા
રસ ધરાવતી કંપનીઓ 4 ઑગસ્ટ 2026 સુધી ITT દસ્તાવેજ ખરીદી શકશે. ટેન્ડર સંબંધિત સ્પષ્ટતા માંગવાની છેલ્લી તારીખ 5 ઑગસ્ટ રાખવામાં આવી છે. આ ટેન્ડર હેઠળ ભારતની તમામ હોમ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટ મેચોની ટાઇટલ સ્પોન્સરશિપ માટે બિડ મંગાવવામાં આવી છે.
BCCIએ સ્પષ્ટ કર્યું છે કે ITT દસ્તાવેજમાં પાત્રતા માપદંડ અને તમામ નિયમો-શરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તે માત્ર પ્રોસેસિંગ ફી પ્રાપ્ત થયા બાદ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ITT દસ્તાવેજ ખરીદવાથી કોઈપણ કંપનીને આપમેળે બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર મળશે નહીં. માત્ર નિર્ધારિત પાત્રતા માપદંડ પૂર્ણ કરનારી કંપનીઓને જ અંતિમ બિડિંગમાં સામેલ કરવામાં આવશે.
કયા ટુર્નામેન્ટ્સનો સમાવેશ થશે?
ટાઇટલ સ્પોન્સર તરીકે પસંદ થનાર કંપનીને BCCIની તમામ હોમ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટ સ્પર્ધાઓમાં વિશિષ્ટ સ્પોન્સરશિપ અધિકારો મળશે. તેમાં ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમોની ટેસ્ટ, વન-ડે (ODI) અને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ ઉપરાંત દેશની અગ્રણી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સ જેમ કે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, ઇરાની કપ તેમજ વિવિધ વયજૂથની સ્પર્ધાઓનો પણ સમાવેશ થાય છે.
IDFC FIRST Bankનો કરાર પૂર્ણ થવા આવ્યો
હાલમાં BCCIની ટાઇટલ સ્પોન્સરશિપ IDFC FIRST Bank પાસે છે. બેંકે સપ્ટેમ્બર 2021માં BCCI સાથે પાંચ વર્ષનો કરાર કર્યો હતો, જે હવે ઓગસ્ટ 2026માં પૂર્ણ થવાનો છે.
જ્યારે Apollo Tyres ભારતની ક્રિકેટ ટીમના અધિકૃત લીડ અને જર્સી સ્પોન્સર તરીકે પોતાની ભૂમિકા યથાવત રાખશે.
એસોસિયેટ પાર્ટનર માટે પણ બિડિંગ શરૂ
BCCIએ ટાઇટલ સ્પોન્સરશિપ ઉપરાંત હોમ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટ મેચો માટે Associate Partner Rights માટે પણ અલગથી બિડિંગ પ્રક્રિયા જાહેર કરી છે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક કંપનીઓએ Request for Qualification (RFQ) દસ્તાવેજ ખરીદવો પડશે, જેના માટે પણ ₹1 લાખ (GST ઉપરાંત) પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે.
RFQ દસ્તાવેજ ખરીદવાની છેલ્લી તારીખ 14 ઑગસ્ટ, સ્પષ્ટતા માંગવાની છેલ્લી તારીખ 16 ઑગસ્ટ અને અંતિમ બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 25 ઑગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે.
BCCIએ જણાવ્યું છે કે RFQ દસ્તાવેજ પણ પ્રોસેસિંગ ફી પ્રાપ્ત થયા બાદ જ આપવામાં આવશે. ઉપરાંત, બોર્ડને કોઈપણ કારણ દર્શાવ્યા વગર ટેન્ડર રદ કરવાનો અથવા તેની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.
BCCIના નવા કોમર્શિયલ ચક્રની શરૂઆત
ટાઇટલ સ્પોન્સરશિપ (ITT) અને એસોસિયેટ પાર્ટનર (RFQ) માટેની આ બંને ટેન્ડર પ્રક્રિયા BCCIના નવા કોમર્શિયલ રાઇટ્સ ચક્રનો મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રક્રિયા દ્વારા ભારતની હોમ ઇન્ટરનેશનલ મેચો અને અગ્રણી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સ માટે ભવિષ્યના નવા વ્યાપારી ભાગીદારો અને ટાઇટલ સ્પોન્સરોની પસંદગી કરવામાં આવશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ