રાજ્યમાં ખેડૂતો અને નાગરિકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. બંગાળની ખાડીના ઉત્તરીય ભાગમાં સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. હવામાન ક્ષેત્રના અંદાજ મુજબ, 16 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યાંથી વળાંક લઈને જમીન માર્ગે ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધશે.
આ સાનુકૂળ પરિસ્થિતિને કારણે રાજ્યના જે વિસ્તારોમાં વરસાદની ઘટ હતી, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં મનમુકીને વરસાદ વરસવાની સંભાવના છે.
16 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ દક્ષિણ ગુજરાત પર છવાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનનો સાથ મળતાં વરસાદનું જોર વધુ વધી શકે છે. હવામાન વિભાગે તાત્કાલિક અસરથી 16 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે.
આગામી બે સપ્તાહનું હવામાન રોડમેપ
-
10 થી 15 સપ્ટેમ્બર (પ્રથમ તબક્કો): ગુજરાત સહિત દેશના 24થી વધુ રાજ્યોમાં મોસમી પવનો ઉત્સાહજનક રહેશે. આ 5 દિવસ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે.
-
16 થી 23 સપ્ટેમ્બર (બીજો તબક્કો): ચોમાસાનું જોર ધીમે ધીમે ઘટશે અને વરસાદનું પ્રમાણ સામાન્યથી ઓછું રહેવાની સંભાવના છે.
-
ચોમાસાની વિદાયનો સંકેત: 15-16 સપ્ટેમ્બર બાદ કચ્છ અને રાજસ્થાનના વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થવાના પ્રાથમિક એંધાણ મળી રહ્યા છે.
જોકે, 17 સપ્ટેમ્બર પછી અરબી સમુદ્ર અને આંદામાન નજીક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન તથા ઉત્તર-પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની શક્યતા છે. પરંતુ સોમાલી જેટ અને ટ્રોપિકલ ઈસ્ટર્લી જેટ નબળા હોવાથી સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં વરસાદ પ્રમાણમાં સીમિત રહેશે. હાલ પૂરતું 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં જળ-સંપત્તિમાં મોટો ઉમેરો થવાની પૂર્ણ શક્યતાઓ છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ