India's First Hydrogen Train: ભારત રેલવેના ઇતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જુલાઈહરિયાણાના જીંદ–સોનીપત રેલવે રૂટ પર દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન ડીઝલ અથવા ઓવરહેડ વીજ લાઇન પર આધારિત નથી, પરંતુ હાઇડ્રોજનમાંથી જ પોતાની વીજળી ઉત્પન્ન કરીને દોડશે. સ્વચ્છ ઊર્જા તરફ ભારતના પરિવર્તનમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારતની ગ્રીન રેલવે તરફ મોટી છલાંગ

ભારતીય રેલવેના બ્રોડ ગેજ નેટવર્કનું 99 ટકાથી વધુ વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે. હવે હાઇડ્રોજન ટેક્નોલોજી દ્વારા વધુ પર્યાવરણમિત્ર પરિવહન તરફ આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ટ્રેનમાં વીજળી ટ્રેનની અંદર જ ઉત્પન્ન થાય છે અને તેની પ્રક્રિયા દરમિયાન ફ્યુઅલ સેલની પ્રક્રિયા દરમિયાન મુખ્યત્વે પાણીની વરાળ અને ગરમી ઉત્પન્ન થાય છે. ધુમાડો કે સીધું કાર્બન ઉત્સર્જન થતું નથી.

એકસાથે લગભગ 2,600 મુસાફરો કરી શકશે મુસાફરી

હાઇડ્રોજન ટ્રેનમાં કુલ 10 કોચ હશે. તેમાં આઠ પેસેન્જર કોચ અને બંને છેડે બે Hydrogen Driving Power Cars હશે. ટ્રેનમાં આશરે 2,600 મુસાફરો મુસાફરી કરી શકશે.

ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, આ ક્ષમતા વિશ્વની મોટાભાગની હાઇડ્રોજન ટ્રેનો કરતાં ઘણી વધુ છે. હાલમાં જર્મની સહિત અન્ય દેશોમાં ચાલતી હાઇડ્રોજન ટ્રેનોમાં સામાન્ય રીતે માત્ર બે થી ચાર કોચ હોય છે.

કયા રૂટ પર દોડશે ટ્રેન?

પ્રથમ તબક્કામાં ટ્રેન હરિયાણાના 89 કિલોમીટર લાંબા જીંદ–સોનીપત રૂટ પર દોડશે.

આ રૂટ જીંદ જંક્શન, ગોહાણા જંક્શન અને સોનીપતને જોડે છે. ઉપરાંત જીંદ સિટી, પાંડુ પિંડારા, લલિત ખેડા, ભંભેવા, ઈસાપુર ખેડી, બુટાણા, ખાંડરાઈ, રબરાહ, લાથ, મોહાના, બરવાસની અને સોનીપત ન્યૂ જેવા સ્ટેશનો પર સેવા આપશે.

રેલવેના જણાવ્યા મુજબ આ રૂટ હાઇડ્રોજન ટ્રેનની કામગીરી, સલામતી અને વિશ્વસનીયતા ચકાસવા માટે પસંદ કરવામાં આવ્યો છે.

કેટલી હશે ઝડપ?

શરૂઆતમાં ટ્રેનની મહત્તમ કામગીરીની ઝડપ 75 કિમી પ્રતિ કલાક રહેશે, જ્યારે તેની ડિઝાઇન સ્પીડ 110 કિમી પ્રતિ કલાક છે.

મુસાફરોને મળશે આધુનિક સુવિધા

હાઇડ્રોજન ટ્રેન પરંપરાગત ડીઝલ ટ્રેનોની સરખામણીએ ઓછી અવાજ કરશે. ઉપરાંત ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા પણ ઘટશે.

સલામતી માટે ટ્રેનમાં હાઇડ્રોજન લીક ડિટેક્ટર, ફ્લેમ ડિટેક્ટર અને સતત મોનિટરિંગ સિસ્ટમ જેવી અદ્યતન ટેક્નોલોજી આપવામાં આવી છે.

હાઇડ્રોજન ટ્રેન કેવી રીતે કામ કરે છે?

સામાન્ય ઇલેક્ટ્રિક ટ્રેનની જેમ આ ટ્રેન ઓવરહેડ વાયર પરથી વીજળી લેતી નથી.

તેમાં Proton Exchange Membrane (PEM) Fuel Cell ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઇડ્રોજન ગેસ અને વાતાવરણમાં રહેલો ઓક્સિજન ફ્યુઅલ સેલમાં ભેગા થતાં વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી ટ્રેક્શન મોટરને શક્તિ આપે છે, જેના કારણે ટ્રેન આગળ વધે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર પાણીની વરાળ અને ગરમી ઉત્પન્ન થાય છે.

સરળ ભાષામાં પ્રક્રિયા:  હાઇડ્રોજન + ઓક્સિજન = વીજળી + પાણીની વરાળ

ટ્રેનમાં શું છે ખાસ?

  • ટ્રેનમાં બંને છેડે Hydrogen Driving Power Cars છે.
  • દરેક પાવર કાર 1,200 કિલોવોટ (લગભગ 1,600 હોર્સપાવર) શક્તિ ઉત્પન્ન કરે છે.
  • તેમાં PEM Fuel Cell, Lithium Iron Phosphate (LFP) બેટરી અને હાઇડ્રોજન સ્ટોરેજ સિલિન્ડર એકસાથે કાર્ય કરે છે.

હાઇડ્રોજન ક્યાંથી આવશે?

  • ભારતીય રેલવેએ જીંદ ખાતે દેશનું સૌથી મોટું રેલવે હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશન તૈયાર કર્યું છે.
  • પાણીનું ઇલેક્ટ્રોલિસિસ કરીને હાઇડ્રોજન તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને સ્ટોરેજ ટાંકીમાં સંગ્રહ કરીને 500 બાર દબાણે કોમ્પ્રેસ કરવામાં આવે છે.
  • રિફ્યુઅલિંગ દરમિયાન ટ્રેનમાં 350 બાર દબાણે હાઇડ્રોજન ભરવામાં આવે છે. બંને પાવર કારમાં એકસાથે ઇંધણ ભરવાની સુવિધા હોવાથી સમયની બચત થાય છે.
  • આ કેન્દ્રમાં લગભગ 3,000 કિલોગ્રામ હાઇડ્રોજન સંગ્રહ કરવાની ક્ષમતા છે અને તેને PESO દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સલામતી માટે બહુસ્તરીય વ્યવસ્થા

  • હાઇડ્રોજન અત્યંત જ્વલનશીલ હોવાથી ટ્રેનમાં અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
  • ટ્રેન અને રિફ્યુઅલિંગ સ્ટેશનમાં હાઇડ્રોજન લીક ડિટેક્ટર, હીટ સેન્સર, ફ્લેમ ડિટેક્ટર અને સ્મોક ડિટેક્ટર સતત કામગીરી પર નજર રાખે છે.
  • જો કોઈ અસામાન્ય સ્થિતિ સર્જાય તો હાઇડ્રોજન સપ્લાય આપમેળે બંધ થઈ જાય છે.
  • ટ્રેનમાં સતત વેન્ટિલેશન સિસ્ટમ પણ છે, જે લીક થયેલા હાઇડ્રોજનને સુરક્ષિત રીતે વાતાવરણમાં વિખેરી દે છે.
  • લોકો પાઇલટની કેબિનમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે અને જરૂર પડે તો ઇમરજન્સી મોડ દ્વારા ટ્રેનને સુરક્ષિત રીતે ચલાવી શકાય છે.
  • જીંદ રિફ્યુઅલિંગ સુવિધામાં પણ ઓટોમેટિક શટડાઉન, વોટર સ્પ્રે ફાયર કંટ્રોલ અને ફાયર એલાર્મ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ટ્રેનને મુસાફરો માટે મંજૂરી આપવામાં આવે તે પહેલાં જર્મનીની TÜV SÜD દ્વારા સ્વતંત્ર સલામતી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
  • આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય NFPA-2, ISO 19880 Series અને PESOના સલામતી ધોરણોને અનુસરીને તૈયાર કરવામાં આવ્યો છે.

આગળ શું?

હાલમાં જર્મની, ફ્રાન્સ, ઇટાલી, ચીન અને જાપાન જેવા દેશોમાં મર્યાદિત સ્તરે હાઇડ્રોજન ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે.

ભારતીય રેલવેનું કહેવું છે કે જીંદ–સોનીપત પ્રોજેક્ટ માત્ર શરૂઆત છે. ભવિષ્યમાં કલકા–શિમલા જેવી હેરિટેજ લાઇનો સહિત અન્ય રૂટ પર પણ હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના છે.

આ પહેલ ભારતના National Green Hydrogen Mission અને Net Zero Emissionના લક્ષ્યોને આગળ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.