ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. વડોદરા ખાતે આયોજિત 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત પ્રથમ બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન મે-જૂન 2027 દરમિયાન શરૂ થશે. આ બુલેટ ટ્રેન સેવા શરૂ થતાં જ વડોદરાથી મુંબઈ વચ્ચેનો પ્રવાસ અત્યંત સુગમ અને ઝડપી બની જશે.
'આત્મનિર્ભર ભારત' હેઠળ દેશની પોતાની બુલેટ ટ્રેન સજ્જ
રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, મેડ-ઈન-ઈન્ડિયા બુલેટ ટ્રેનની બોડી ફ્રેમ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે અને હાલ તેને 'સ્ક્વિઝ ટેસ્ટિંગ' માટે મોકલવામાં આવી છે.
-
ટ્રાયલ રન અને ઉદ્ઘાટન: મે અથવા જૂન 2027 સુધીમાં ટ્રેક પર ઉતર્યા બાદ આગામી 2થી 4 મહિના સુધી વિવિધ તબક્કામાં તેનું પરીક્ષણ કરાશે. ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દેશની પ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનું ભવ્ય ઉદ્ઘાટન કરી દેશવાસીઓને સમર્પિત કરશે.
-
સમયની મોટી બચત: વડોદરાથી મુંબઈ સેન્ટ્રલનું અંદાજે 392 કિમીનું અંતર કાપવામાં દેશની સૌથી ઝડપી 'વંદે ભારત' ટ્રેનને પણ 4 કલાક અને 44 મિનિટ લાગે છે, પરંતુ બુલેટ ટ્રેનના પ્રારંભથી આ સફર માત્ર 1.5 કલાક (દોઢ કલાક) માં પૂરી થશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને અપડેટ્સ
| વિગત | માહિતી |
| મહત્તમ ઝડપ (Speed) | 280 કિમી/કલાક થી લઈને 350 કિમી/કલાક ની ક્ષમતા. |
| સિવિલ સેક્શન કામગીરી | સુરતથી વાપી વચ્ચેનો મોટો રૂટ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. |
| કુલ કોરિડોર લંબાઈ | 508 કિલોમીટર (અમદાવાદ થી મુંબઈ). |
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ