તહેવારો, વેકેશન કે ઈમરજન્સીના સમયે મનફાવે તેમ ફ્લાઈટ ટિકિટના ભાવો વધારીને સામાન્ય નાગરિકોના ગજવા ખંખેરતી એરલાઈન્સ કંપનીઓ પર હવે લગામ કસાશે. હવાઈ ભાડાના મનસ્વી અને અણધાર્યા વધારા પર રોક લગાવવા માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ કાનૂની આયોજન કરી લીધું છે. ભારતીય વાયુયાન અધિનિયમ (Bharatiya Vayuyan Adhiniyam), ૨૦૨૪ હેઠળ વિમાની ભાડાના નિયમન (Regulation) માટેના નિયમોનો મુસદ્દો તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે મુસાફરો માટે એક આશાનું નવું કિરણ લઈને આવ્યો છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં સામાજિક કાર્યકર એસ. લક્ષ્મીનારાયણ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીની સુનાવણી દરમિયાન આ મહત્વની વિગતો સામે આવી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને ખાતરી આપી છે કે આ નિયમો સંપૂર્ણપણે તૈયાર છે અને આગામી ૩૦ દિવસની અંદર તેને સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: 'સીલબંધ કવરમાં બે સપ્તાહમાં નિયમો રજૂ કરો'
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ ગંભીર મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંસદમાં આ નિયમો રજૂ થાય કે ન થાય, પરંતુ સરકારે આગામી બે સપ્તાહમાં આ તૈયાર કરાયેલા નિયમોની નકલ કોર્ટ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ કરવી પડશે.
અગાઉની સુનાવણી દરમિયાન પણ દેશની સર્વોચ્ચ અદાલતે તહેવારોની મોસમમાં એરલાઈન્સ દ્વારા ટિકિટના ભાવોમાં કરવામાં આવતા તોતિંગ વધારાને "મુસાફરોનું શોષણ" ગણાવ્યું હતું અને સરકારને આ દિશામાં નક્કર કદમ ઉઠાવવા આદેશ આપ્યો હતો.
મુસાફરોના હિતમાં કેવા ફેરફાર થઈ શકે છે?
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી અને સરકારની આ નવી નીતિના કેન્દ્રમાં સામાન્ય મુસાફરોની પીડા છે. નવા નિયમો લાગુ થવાથી નીચે મુજબની રાહતો મળવાની શક્યતા છે:
- મનસ્વી ભાવવધારા (Dynamic Pricing) પર અંકુશ: તહેવારો, કુદરતી આપત્તિ કે છેલ્લી ઘડીના બુકિંગ વખતે એરલાઈન્સ જે કલ્પના બહારનો ભાવવધારો કરે છે, તેની એક ચોક્કસ મર્યાદા (Cap) નક્કી થશે.
- હિડન ચાર્જીસ પર નિયંત્રણ: ટિકિટ બુકિંગ સિવાય વસૂલાતા વિવિધ વધારાના ચાર્જિસ (અન્ય આનુષંગિક શુલ્ક) પારદર્શક બનશે.
- બેગેજ લિમિટ અને કેન્સલેશન નિયમો: અગાઉ કોઈ પણ યોગ્ય કારણ વગર ઈકોનોમી ક્લાસની ફ્રી કેબિન બેગેજ લિમિટ ૨૫ કિલોથી ઘટાડીને ૧૫ કિલો કરી દેવાઈ હતી, જેની સામે પણ મુસાફરોને રક્ષણ આપવા અને કેન્સલેશન-રિફંડની પ્રક્રિયા વધુ સરળ બનાવવાની માગ આ નિયમો હેઠળ આવરી લેવાશે.
- મુસાફરોની લાગણીને આદર આપતી પહેલ: દર વર્ષે લાખો મધ્યમવર્ગીય પરિવારો પોતાના વતનમાં દિવાળી, હોળી કે વેકેશન ગાળવા માટે મહિનાઓ પહેલા બુકિંગ કરાવે છે. પરંતુ છેલ્લી ઘડીની ઈમરજન્સી કે અચાનક સર્જાતી પરિસ્થિતિમાં ટિકિટના આસમાને પહોંચતા ભાવો સામાન્ય માનવી માટે આઘાતજનક નીવડે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ