ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ થવાની છે.મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે જ ઓપનિંગ મેચ રમાશે.
ઇતિહાસનો સૌથી મોટો વર્લ્ડ કપ: 32ને બદલે 48 ટીમો વચ્ચે જંગ
આ વર્ષનો ફિફા વર્લ્ડ કપ અનેક માયને ઐતિહાસિક છે. આ વખતે ટૂર્નામેન્ટમાં પરંપરાગત 32 ટીમોના સ્થાને 48 આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. ટીમોની સંખ્યા વધવાને કારણે મેચોની સંખ્યા પણ વધીને 104 થઈ ગઈ છે, જે 39 દિવસ સુધી ચાલશે. આ મહાકુંભમાં કેપ વર્ડે, ક્યુરાસાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન જેવી ટીમો પ્રથમ વખત વિશ્વ મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરવા મેદાને ઉતરી રહી છે, જે ફૂટબોલના વૈશ્વિક વિસ્તારનો સંકેત છે.
ત્રણેય દેશોના 16 ભવ્ય સ્ટેડિયમો સજ્જ
ટૂર્નામેન્ટની તમામ 104 મેચો ઉત્તર અમેરિકાના 16 અત્યાધુનિક સ્ટેડિયમોમાં રમાશે, જેમાં અમેરિકાના 11, મેક્સિકોના 3 અને કેનેડાના 2 શહેરોનો સમાવેશ થાય છે. લૉસ એન્જલસ, ન્યૂ યોર્ક, ડલ્લાસ અને ટોરોન્ટો જેવા પ્રખ્યાત શહેરોના સ્ટેડિયમોને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 જુલાઈના રોજ ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમ (MetLife Stadium) ખાતે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પોતાના ટાઈટલને બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની જેવા દિગ્ગજો પણ ટ્રોફી પર કબજો કરવા સજ્જ છે.
ભારતીય ચાહકો માટે લાઈવ પ્રસારણની ખાસ વ્યવસ્થા
ભારતમાં ફૂટબોલના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ચાહકો તમામ મેચો ટીવી પર 'Unite8 Sports' ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ પર 'ZEE5' એપ અને વેબસાઈટ પર લાઈવ જોઈ શકશે. ટાઈમ ઝોનના તફાવતને કારણે ભારતની સમયરેખા મુજબ મોટાભાગની મેચો મોડી રાત્રે અથવા વહેલી સવારે રમાશે, પરંતુ ભારતીય ફૂટબોલ પ્રેમીઓમાં વર્લ્ડ કપને લઈને ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ