ગુજરાતના બાળકોમાં સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને નવીન વિચારશક્તિ વિકસાવવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્યવ્યાપી 'કિડનોવેશન' (Kidnovation) પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના વિચારોને માત્ર કલ્પના સુધી મર્યાદિત ન રાખતા તેમને સંશોધન, શોધ (Innovation) અને પેટન્ટ સુધી પહોંચાડવાનો છે.
કાર્યક્રમના પ્રથમ તબક્કા હેઠળ BISAG સ્ટુડિયો અને YouTube મારફતે રાજ્યભરના શિક્ષકો અને માર્ગદર્શકો (મેન્ટર્સ) માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. આ પહેલ અંતર્ગત શિક્ષકો અને વાલીઓને બાળકોની સ્વાભાવિક જિજ્ઞાસા અને સર્જનાત્મક વિચારશક્તિને ઓળખી તેને નવીનતા અને સંશોધનની દિશામાં આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ પ્રસંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ટી. એસ. જોશીએ જણાવ્યું હતું કે દરેક બાળકમાં અનોખા વિચારો અને ક્ષમતાઓ રહેલી હોય છે, જેને યોગ્ય પ્રોત્સાહનની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે શિક્ષકો અને વાલીઓની ભૂમિકા બાળકોને તૈયાર જવાબો આપવાની નથી, પરંતુ તેમના પ્રશ્નોને સમજવાની અને તેમની કલ્પનાશક્તિ તથા વિશ્લેષણાત્મક વિચારસરણીને વિકસાવવા માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાની છે.
કાર્યક્રમના પ્રોજેક્ટ ડિરેક્ટર નિલેશ પંડ્યાએ કાર્યક્રમના ઉદ્દેશ્યો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ પહેલ દ્વારા બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યેનો અભિગમ, સર્જનાત્મકતા, ડિઝાઇન થિંકિંગ અને સમસ્યાઓના અસરકારક ઉકેલ શોધવાની ક્ષમતાનો વિકાસ કરવામાં આવશે. તેમણે કાર્યક્રમમાં શિક્ષકો અને માર્ગદર્શકોના ઉત્સાહભર્યા સહભાગની પણ પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ દરમિયાન ભાવેશ પંડ્યાએ કિડનોવેશન પહેલના વિવિધ તબક્કાઓ અંગે માહિતી આપી હતી. તેમાં નોંધણી પ્રક્રિયા, માર્ગદર્શન સત્રો, નવીન પ્રોજેક્ટોના વિકાસ, પ્રેઝન્ટેશન અને મૂલ્યાંકનની પ્રક્રિયા સહિતના તમામ તબક્કાઓની વિગત આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેનું સુવ્યવસ્થિત સમયપત્રક પણ રજૂ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ પ્રખ્યાત શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાની જન્મજયંતિના અવસરે કરવામાં આવ્યો હતો, જેના કારણે આ પહેલને વધુ પ્રેરણાત્મક મહત્વ પ્રાપ્ત થયું છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ