ફ્રાન્સના દરિયાકાંઠે યોજાઈ રહેલા પ્રતિષ્ઠિત 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬' (Cannes Film Festival) માં ભારતીય પ્રાદેશિક સિનેમાએ એક નવો ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે' કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનારી ઇતિહાસની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. આ વૈશ્વિક સિદ્ધિને પગલે બોલીવુડ સહિત સમગ્ર ભારતીય સિનેમા જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રેડ કાર્પેટ પર બ્લેક એન્ડ વ્હાઇટ ટચ

કાન્સના રેડ કાર્પેટ પર જ્યારે ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા, પ્રોડ્યુસર્સ અને સ્ટાર કાસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મલ આઉટફિટમાં ઉતરી, ત્યારે ત્યાં હાજર આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચાયું હતું. ટીમ 'લાલો' એ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને એક ભાવુક સંદેશ લખ્યો હતો:"અમે માત્ર આભાર, સપના અને અમારું સિનેમા લઈને કાન્સના રસ્તાઓ પર ચાલી રહ્યા છીએ. આ ક્ષણ માત્ર અમારી નહીં, પણ સમગ્ર ગુજરાતની સંસ્કૃતિની જીત છે."

ડાયરેક્ટર અંકિત સખિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ગુજરાત અને તેની આધ્યાત્મિકતાનો એક નાનો અંશ રજૂ કરવો એ અમારા માટે અત્યંત ગર્વની વાત છે. આ ફિલ્મ ભાષાની સીમાઓ ઓળંગીને લોકોના દિલ જીતી રહી છે.

નેશનલ એવોર્ડ વિનર માનસી પારેખે સંભાળી કમાન

તાજેતરમાં જ ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જીતનાર અભિનેત્રી અને પ્રોડ્યુસર માનસી પારેખ પણ આ વર્ષે કાન્સ ફિલ્મ માર્કેટ (Marche Du Film) માં ભાગ લેવા પહોંચી છે. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલના પ્રોડક્શન હાઉસે કાન્સમાં અંદાજે ૩૫ જેટલી ચુનંદા ગુજરાતી ફિલ્મોના કેટલોગને વૈશ્વિક બાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સ સમક્ષ રજૂ કર્યા છે.