ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વુમન્સ એશિયા કપ 2026માં શાનદાર પ્રદર્શન યથાવત રાખતાં બાંગ્લાદેશને 40 રને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 109 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ભારતે મહિલા એશિયા કપની ફાઈનલમાં સતત 10મી વખત સ્થાન મેળવ્યું છે.

શેફાલી વર્માની શાનદાર અડધી સદી

ભારતની ઇનિંગ્સમાં શેફાલી વર્મા સૌથી મોટી હાઇલાઇટ રહી હતી. તેણે 40 બોલમાં 64 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. મુશ્કેલ પિચ પર અન્ય ભારતીય બેટર્સને રન બનાવવા મુશ્કેલી પડી રહી હતી ત્યારે શેફાલીએ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

શેફાલી ઉપરાંત પ્રતિકા રાવલે 20 રન, કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 24 રન અને રિચા ઘોષે 21 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ અંતમાં 13 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમ સંઘર્ષમાં

149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખાસ સારી રહી નહોતી. ભારતીય સ્પિનરો અને બોલિંગ આક્રમણે સતત દબાણ જાળવી રાખ્યું હતું. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 26 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. નંદની શર્માએ પણ 2 વિકેટ મેળવી હતી, જ્યારે શ્રી ચરણિ અને પ્રેમાં રાવતે 1-1 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશ તરફથી શોર્ના અખ્તરે અણનમ 22 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય બેટર્સ ભારતીય બોલિંગ સામે મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આખરે બાંગ્લાદેશ 20 ઓવરમાં 7 વિકેટે 109 રન સુધી જ પહોંચી શક્યું અને ભારતે 40 રનથી મેચ જીતી લીધી.

હવે ફાઈનલમાં નજર

બાંગ્લાદેશ સામેની જીત સાથે ભારતે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત હવે બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચના વિજેતા સામે ફાઈનલ રમશે. વુમન્સ એશિયા કપ 2026ની ફાઈનલ 13 સપ્ટેમ્બરે રમાવાની છે.

ભારતીય ટીમ હવે શેફાલી વર્માની બેટિંગ અને દીપ્તિ શર્માની બોલિંગના આ પ્રદર્શનને આગળ વધારીને એશિયા કપનું ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે.