જામનગર: શહેરમાં વધતા ટ્રાફિકના દબાણને ઘટાડવા અને મુખ્ય માર્ગોને વધુ સુવિધાજનક બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડ વિસ્તરણની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ અંતર્ગત ગોકુલનગર સર્કલથી હરીયા કોલેજ થઈને સાંઢિયા પુલ સુધી ડેવલપમેન્ટ પ્લાન (DP) મુજબ ચાલી રહેલી કપાતની કામગીરીનું આજે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર, સિટી એન્જિનિયર ભાવેશ જાની તેમજ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ સમગ્ર માર્ગ પર ચાલી રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી અને વિવિધ સ્થળોએ ચાલી રહેલા કામ અંગે માહિતી મેળવી હતી.

મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત અધિકારીઓ અને કામગીરી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરોને જરૂરી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, વિકાસકાર્ય દરમિયાન સ્થાનિક નાગરિકોને શક્ય તેટલી ઓછી મુશ્કેલી પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ તમામ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં અને ગુણવત્તાના ધોરણો જાળવી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

મહાનગરપાલિકાના આ રોડ વિસ્તરણ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ગોકુલનગરથી સાંઢિયા પુલ સુધીના વ્યસ્ત માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને રોજિંદા મુસાફરી કરતા નાગરિકોને પણ નોંધપાત્ર રાહત મળશે.