જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં પોલીસ વિભાગના સહયોગથી ‘ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલના વિદ્યાર્થીઓમાં માદક પદાર્થોના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવા અને નશાના સેવનથી દૂર રહેવા પ્રેરિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માદક પદાર્થોના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ડ્રગ્સના દૂષણને રોકવા માટેના ઉપાયો, માદક પદાર્થો સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, વિવિધ કલમો અને તેમાં નિર્ધારિત સજાની જોગવાઈઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ અને તબીબી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજનાં ડીન ડૉ. નંદિની દેસાઈ, તબીબી અધિક્ષક ડૉ. વિજય પોપટ અને નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા સહિત એન્ટી નાર્કોટિક્સ વિંગ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) અને એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટ (ATF)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. હેમિતભાઈ ભદ્રા, મહારાજ નશાબંધી સંસ્કાર કેન્દ્રના પ્રમુખ હરીશભાઈ ખીમસુરિયા તેમજ બ્રહ્માકુમારી સંસ્થા, જામનગર અને કાલાવડના પ્રતિનિધિઓએ માદક પદાર્થોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી હતી.
યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ
યુવાનોમાં માદક પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે સમજ વધે અને તેઓ નશાથી દૂર રહે તે માટે આવા જાગૃતિ કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. મેડિકલના વિદ્યાર્થીઓને કાયદાકીય અને સામાજિક પાસાં વિશે માહિતી આપીને નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ