શહેરમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે જામનગર પોલીસ દ્વારા હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સઘન ચેકિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. તહેવારોની ઉજવણી અને મોડી રાત્રિ સુધી લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને પોલીસે "ત્રીજી આંખ" એટલે કે અદ્યતન નાઈટ-વિઝન ડ્રોન કેમેરાથી આકાશી નિરીક્ષણ શરૂ કર્યું છે.  

નાઈટ વિઝન ડ્રોનથી આકાશી સર્વેલન્સ

​​રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને કોઈ અસામાજિક તત્વો કે ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓ છટકી ન જાય તે માટે જામનગર જિલ્લા પોલીસ અને સિટી 'એ' ડિવિઝન પોલીસ દ્વારા હાઈટેક ડ્રોન કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. આ ડ્રોન કેમેરામાં નાઈટ-વિઝન ફીચર હોવાથી ઘોર અંધારામાં પણ દરેક ખૂણાની સ્પષ્ટ તસવીરો અને લાઈવ ફૂટેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી રહ્યા છે.  

​ભીડભાડવાળા અને અવાવરૂ સ્થળો પર સઘન વોચ

​પોલીસ ટીમ દ્વારા ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ વિસ્તાર, એસ.ટી. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શહેરના ભીડભાડવાળા મુખ્ય માર્ગો ઉપરાંત અવાવરૂ અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ ડ્રોનથી સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

​અસામાજિક તત્વોમાં ફાળ

​પોલીસના આ કડક આકાશી પહેરાને કારણે અસામાજિક અને વિઘટનકારી તત્વોમાં ફાળ પડી છે. મહિલાઓ, બાળકો અને સામાન્ય નાગરિકો નિર્ભય બનીને તહેવારોની મોજ માણી શકે તે માટે જામનગર પોલીસ સતત ખડેપગે પેટ્રોલિંગ અને ડ્રોન નિરીક્ષણ કરી રહી છે.