વિદ્યાર્થીઓને નશાની લતથી દૂર રાખવા અને શૈક્ષણિક વાતાવરણને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે ‘નશા મુક્ત વિદ્યાલય’ અભિયાન હેઠળ ત્રણ વર્ષીય કાર્યયોજના તૈયાર કરી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા 25 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલી માહિતી મુજબ, શાળાની આસપાસના 500 મીટરના વિસ્તારને ડ્રગ્સ-મુક્ત ઝોન તરીકે જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ કાર્યયોજના હેઠળ શાળાના પ્રવેશદ્વાર અથવા સીમા પાસે નિર્ધારિત વિસ્તારને ડ્રગ્સ-મુક્ત દર્શાવતું ચેતવણી બોર્ડ મૂકવા સહિતનાં જાગૃતિનાં પગલાં સૂચવવામાં આવ્યાં છે. શાળાના વડા અથવા નિયુક્ત નોડલ શિક્ષકને નિયમોના ઉલ્લંઘનની જાણ સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓ અને પોલીસને કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સરકારી તથા ખાનગી શાળાઓમાં આ કાર્યયોજનાનો પ્રાથમિકતાના ધોરણે અમલ કરવા જણાવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નશાના દુષ્પ્રભાવોથી બચાવવા અને શાળાઓમાં સ્વસ્થ, સુરક્ષિત તથા નશામુક્ત વાતાવરણ ઊભું કરવાનો છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ