આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી અને કેમિકલયુક્ત આહારના કારણે વધતી બીમારીઓ વચ્ચે હવે અમેરિકાના લોકો આરોગ્યના એક અનોખા અને સનાતન માર્ગ તરફ વળી રહ્યા છે. સુપરમાર્કેટોમાં મળતા અલ્ટ્રા-પ્રોસેસ્ડ (કૃત્રિમ પ્રક્રિયા કરેલા) ફૂડ અને પેકેજ્ડ આહારને સંપૂર્ણપણે ત્યજીને અમેરિકાના લાખો નાગરિકો હવે 'બાઇબલિકલ ઈટિંગ' એટલે કે 'ઈશ્વરીય આહાર' (ગોડ્સ ડાયટ)નો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. આ ડાયટ મુખ્યત્વે પવિત્ર ગ્રંથોમાં વર્ણવાયેલા પ્રાચીન આહાર અને પદ્ધતિઓ પર આધારિત છે, જે શરીર અને આત્મા બંને માટે ગુણકારી માનવામાં આવે છે.
શું છે આ 'ઈશ્વરીય આહાર'? આ ડાયટ કોઈ આધુનિક ડાયટ પ્લાન નથી, પરંતુ હજારો વર્ષ જૂની કુદરતી જીવનશૈલી છે. આ અંતર્ગત લોકો ફક્ત એ જ ખાદ્યપદાર્થો ખાઈ રહ્યા છે જે કુદરતે તેના મૂળ સ્વરૂપમાં આપ્યા છે, જેમ કે:
-
તાજા શાકભાજી, ફળો, અને જંગલી મધ.
-
પ્રાચીન અનાજ (ઘઉં, જવ, જુવાર અને બાજરી જેવા આખા ધાન્ય).
-
ઓલિવ ઓઈલ (જૈતુનનું તેલ), બદામ અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ.
-
નજીકના ફાર્મમાંથી મેળવેલું શુદ્ધ ઓર્ગેનિક દૂધ અને માછલી.
આ ટ્રેન્ડમાં કેમિકલવાળી ખાંડ, આર્ટિફિશિયલ કલર્સ અને પ્રિઝર્વેટિવ્સ ધરાવતા બર્ગર, પિઝા કે પેકેજ્ડ ફૂડને ‘શેતાની ખોરાક’ ગણીને તેનાથી દૂરી બનાવવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ અમેરિકામાં ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર હેલ્થ ઇન્ફ્લુએન્સર્સ આ આહાર પદ્ધતિને જોરશોરથી પ્રોમોટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા યુવા પ્રચારકો લોકોને સવારે પ્રોસેસ્ડ સેરેલ ખાવાને બદલે ઘરે બનાવેલી હોલ-વ્હીટ બ્રેડ, કુદરતી માખણ અને ફળો ખાવાની સલાહ આપી રહ્યા છે. લોકો પોતાના અનુભવો શેર કરતા જણાવી રહ્યા છે કે આ પ્રાચીન આહાર અપનાવ્યા બાદ તેમની ત્વચામાં સુધારો થયો છે, વજન નિયંત્રણમાં આવ્યું છે અને માનસિક તણાવ કે ડિપ્રેશનમાં પણ રાહત મળી છે.
આધુનિક વિજ્ઞાન અને ભૂમધ્ય ડાયટ સાથે સામ્યતા આરોગ્ય નિષ્ણાતો અને ડાયેટિશિયનના મતે, આ 'બાઇબલિકલ ડાયટ' વાસ્તવમાં જગપ્રસિદ્ધ 'મેડિટેરેનિયન ડાયટ' (ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશોનો પરંપરાગત ખોરાક) જેવું જ છે. આધુનિક તબીબી વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે આ પ્રકારનો આહાર હૃદયરોગ, ડાયાબિટીસ અને પાચનની સમસ્યાઓ દૂર રાખવામાં સૌથી શ્રેષ્ઠ છે. ઉપરાંત, આ આહારમાં ભોજન કરતા પહેલાં ઈશ્વરનો આભાર માનવાની અને સંયમપૂર્વક (નિયમિત ઉપવાસ સાથે) ખાવાની પરંપરા છે, જે વ્યક્તિને માનસિક શાંતિ આપે છે.
ફાસ્ટ ફૂડ કલ્ચરના જનક ગણાતા અમેરિકામાં આ પ્રકારે પૂર્વજોની શુદ્ધ આહાર શૈલી અને પ્રકૃતિ તરફ પાછા વળવું, એ વૈશ્વિક સ્તરે તંદુરસ્ત ભવિષ્ય માટે એક ખૂબ જ સકારાત્મક અને આવકારદાયક સંકેત માનવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ