કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે વર્ચ્યુઅલ માધ્યમથી પશ્ચિમ બંગાળના હાવડાના સંક્રાઇલ ફૂડ પાર્ક ખાતે અમૂલના ₹700 કરોડના એકીકૃત ડેરી કોમ્પ્લેક્સનું શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટથી અંદાજે 1,000 લોકોને સીધો રોજગાર મળશે.
કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું કે, "ગુજરાત પશ્ચિમ બંગાળમાં સતત રોકાણ લાવતું રહેશે. અગાઉ કહેવામાં આવતું હતું કે ગુજરાતને બંગાળમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં, પરંતુ હવે લોકો જોઈ રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં મોટા પાયે રોકાણ કરી રહ્યું છે."
તેમણે વધુમાં જણાવ્યું કે હાવડામાં બનનારો અમૂલનો આ પ્રોજેક્ટ વિશ્વનો સૌથી મોટો દહીં અને કલ્ચર્ડ ડેરી ઉત્પાદનોનો પ્લાન્ટ બનશે. અહીં બનતું બંગાળનું પ્રખ્યાત મિષ્ઠી દોઈ વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. સાથે જ રાજ્યના નાના દૂધ ઉત્પાદકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળશે કારણ કે અમૂલ સીધી ખરીદી કરશે.
અમિત શાહે જાહેરાત કરી કે અમૂલને આઇસ્ક્રીમ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે વધુ 30 એકર જમીન પણ ફાળવવામાં આવશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે આ માટે જરૂરી જમીન તૈયાર છે. ઉત્તર બંગાળમાં 15 એકર અને દક્ષિણ બંગાળમાં 15 એકર એમ કુલ 30 એકર જમીન આઇસ્ક્રીમ પ્લાન્ટ માટે ફાળવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અગાઉ પણ અમૂલે જમીનની માંગ કરી હતી, પરંતુ તે સમયની સરકાર તરફથી સહકાર મળ્યો નહોતો.
સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, "અગાઉ કહેવામાં આવતું હતું કે બંગાળને ગુજરાત બનવા નહીં દેવામાં આવે. આજે લોકો જોઈ રહ્યા છે કે ગુજરાત જ બંગાળમાં રોકાણ કરી રહ્યું છે."
અમિત શાહે વધુમાં જાહેરાત કરી કે આગામી છ મહિનામાં કૃષિ સંબંધિત કેન્દ્ર સરકારની 14 યોજનાઓ પશ્ચિમ બંગાળમાં અમલમાં મૂકવામાં આવશે. ઉપરાંત પશુઓની સારવાર માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવામાં આવશે. આગામી 15 વર્ષ દરમિયાન અમૂલ રાજ્યના પશુપાલકો પાસેથી દૂધની ખરીદી કરશે, જેના કારણે દૂધ ઉત્પાદકોને લાંબા ગાળાનો લાભ મળશે.
આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના IT વિભાગ અને ભારત ટેક્સી કો-ઓપરેટિવ વચ્ચે ટેક્સી સેવા માટે નવી મોબાઇલ એપ શરૂ કરવા અંગે થયેલા સમજૂતી કરાર (MoU)નું પણ અનાવરણ કરવામાં આવ્યું. સહકારી સંસ્થામાં નોંધાયેલા ટેક્સી ચાલકોને આ યોજનાનો સીધો લાભ મળશે.
આ પ્રસંગે WB eRCS પોર્ટલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું, જે સહકારી સંસ્થાઓની નોંધણી પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.
સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે અમૂલનો નવો પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "સહકારથી સમૃદ્ધિ" ના વિઝન અને વિકસિત ભારત 2047ના લક્ષ્યને વધુ મજબૂત બનાવશે. તેમણે જણાવ્યું કે રાજ્યના નવ જિલ્લાઓમાં ₹5 કરોડથી વધુના ખર્ચે 14 વેરહાઉસ બનાવવાના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત કૂચબિહાર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 100 મેટ્રિક ટન ક્ષમતાવાળા બે આધુનિક વેરહાઉસ પણ બનાવવામાં આવશે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે હાવડાનો નવો ડેરી પ્લાન્ટ અંદાજે બે વર્ષમાં તૈયાર થશે અને તેમાંથી લગભગ 1,000 લોકોને સીધો રોજગાર મળશે. તેમણે જણાવ્યું કે આઇસ્ક્રીમ પ્રોજેક્ટ પર પણ કામ કરવામાં આવશે અને પશ્ચિમ બંગાળની લગભગ 3,500 ગ્રામ પંચાયતોમાંથી દૂધની ખરીદી કરવાની યોજના છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ