જામનગર જિલ્લાના વિભાપર સ્થિત સરસ્વતી શિશુ મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી નિર્માણ પામેલા સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં એકસાથે 500 સ્થળોએ આવા સંસ્કૃત ખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલ પ્રાચીન પ્રણાલી અને નવી શિક્ષણ નીતિના સમન્વય દ્વારા 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરશે.

મંત્રીએ સંસ્કૃત ભાષાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, સંસ્કૃત વિશ્વની 50 થી 75 મુખ્ય ભાષાઓની જન્મદાત્રી છે, જ્યારે અન્ય 100 જેટલી ભાષાઓએ તેનામાંથી પ્રેરણા મેળવી છે. તેમણે ઉમેર્યું કે, આજના ટેકનિકલ યુગના સંશોધનો આપણા વેદો અને ઉપનિષદોમાં વર્ષો પહેલા જ રજૂ કરાયા છે.

તેમણે જણાવ્યું કે, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના સમયની ગુરુકુળ શિક્ષણ પરંપરા પણ સંસ્કૃતથી છલકાતી હતી. મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે, તેનું અસ્તિત્વ સમય જતાં ભૂંસાઈ જાય છે. ભારતનો ઇતિહાસ, પ્રણાલિકાઓ, સંસ્કૃતિ અને સંસ્કારોને સંસ્કૃત ભાષાએ જ જોડી રાખ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જૂની શિક્ષણ પદ્ધતિને બદલે ભારતીય પરંપરા અને મૂલ્યોને કેન્દ્રમાં રાખતી નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવ્યો છે અને સંસ્કૃત કક્ષોનું નિર્માણ પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

આ સંસ્કૃત કક્ષનો હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને સમજ વિકસાવવાનો છે. સાથે જ વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને સમાજના અન્ય લોકોને ચાણક્ય નીતિ, વૈદિક ગણિત, આયુર્વેદ, ઋતુચર્યા, નાટ્યશાસ્ત્ર, કલા તેમજ કૃષિ વિજ્ઞાન જેવા વિષયો વિશે સરળ અને ઉપયોગી માહિતી ઉપલબ્ધ કરાવવાનો પણ છે.

રિવાબા જાડેજાએ જણાવ્યું કે આજે વિશ્વ યોગ અને આયુર્વેદ જેવી ભારતીય પરંપરાઓને અપનાવી રહ્યું છે. તેમણે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, દીકરા-દીકરી સમાનતા અને સંસ્કાર આધારિત શિક્ષણને નવી શિક્ષણ નીતિના મહત્વપૂર્ણ પાસાઓ ગણાવ્યા અને દેશના વિકાસમાં સૌ નાગરિકોને સહભાગી બનવા અપીલ કરી.

કાર્યક્રમમાં વિદ્યાલયના પ્રમુખ ભાણજીભાઈ પાંભર, મંત્રી હર્ષદભાઈ પણસારા, નિયામક જયશ્રીબા જાડેજા, પ્રધાનાચાર્ય હેમાંશુભાઈ પરમાર, સરપંચ હેમંતભાઈ પાંભર, અગ્રણી ભરતસિંહ જાડેજા, કોર્પોરેટર પૂર્વેશભાઈ પરમાર સહિત શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.