પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં પુનર્વિકસિત કરાયેલા 75 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. આ સાથે ભારતીય રેલવેના આધુનિકીકરણના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.

આ રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતના પ્રતાપનગર (વડોદરા), ગોધરા, પોરબંદર અને ભક્તિનગર એમ ચાર પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ ચારેય સ્ટેશનોના પુનર્વિકાસ પાછળ કુલ ₹109 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા જણાવાયું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા વિભાગના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય કાર્યક્રમ પહેલાં તેમણે પ્રતાપનગર રેલવે સ્ટેશનના જૂના સ્વરૂપથી આધુનિક સુવિધાસભર સ્ટેશન સુધીના પરિવર્તન દર્શાવતું વિશેષ પ્રદર્શન પણ નિહાળ્યું હતું.

આ ચાર નવા સ્ટેશનોના લોકાર્પણ સાથે હવે ગુજરાતમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત થયેલા રેલવે સ્ટેશનોની કુલ સંખ્યા 22 થઈ છે.

ઉલ્લેખનીય છે કે, મે 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 18 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું પણ લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવા માટે હાલમાં રાજ્યના 87 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનું કામ પ્રગતિમાં છે.

પ્રતાપનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ હેમાંગ જોષી, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, સ્થાનિક જનપ્રતિનિધિઓ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમર, વડોદરા વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર, રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.