રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દેશમાં ડોલરનો પ્રવાહ વધારવા માટે શરૂ કરવામાં આવેલી વિશેષ સ્કીમ્સ સુપરહિટ સાબિત થઈ છે. એક અખબારી મુલાકાતમાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ ખુલાસો કર્યો હતો કે આ સ્કીમ્સ હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 32 અબજ ડોલર (આશરે ₹2.6 લાખ કરોડથી વધુ) નો માતબર પ્રવાહ ભારતમાં આવ્યો છે. આ ભંડોળ આવવાથી દેશની બેલેન્સ ઓફ પેમેન્ટ (ચૂકવણીની સમતુલા) મજબૂત બનશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ફોરેન કરન્સી વધારવા માટે રિઝર્વ બેન્કે ગત જૂન મહિનામાં વિવિધ પ્રોત્સાહક પગલાંઓની જાહેરાત કરી હતી.
ક્યાંથી કેટલું ભંડોળ આવ્યું?
- FCNR ડિપોઝિટ્સ: સ્કીમ હેઠળ આવેલા 32 અબજ ડોલરમાંથી સિંહભાગ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (FCNR) ડિપોઝિટ સ્કીમમાં આવ્યો છે.
- FPI રોકાણ: કરવેરામાં કરાયેલા સુધારાના કારણે અંદાજે 7 અબજ ડોલર જેટલું ભંડોળ ડેટ સિક્યોરિટીઝમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) સ્વરૂપે આવ્યું છે.
- જૂની ડિપોઝિટ્સનું રિબુકિંગ નથી: ગવર્નરે સ્પષ્ટ કર્યું હતું કે આ રકમ નવું જ રોકાણ છે, જૂની ડિપોઝિટ્સનું માત્ર રિબુકિંગ નથી.
રૂપિયાની સ્થિતિ અને RBIનું વલણ
- રૂપિયાની નીતિ યથાવત: રિઝર્વ બેન્કની ચલણ અંગેની નીતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. RBI માત્ર ત્યારે જ બજારમાં હસ્તક્ષેપ કરે છે જ્યારે રૂપિયામાં બહુ વધારે અસ્થિરતા (Volatility) જોવા મળે.
- રૂપિયો અંડરવેલ્યુડ: તાજેતરમાં રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘસારા બાદ તે પોતાની વાસ્તવિક ક્ષમતા કરતાં નીચા મથાળે (અંડરવેલ્યુડ) હોવાનું માનવાને પૂરતા કારણો છે.
- મજબૂત ફંડામેન્ટલ્સ: વૈશ્વિક સ્તરે ઉભરતા બજારો સામે અનેક પડકારો હોવા છતાં વિદેશી રોકાણકારોએ ભારત પર ભરોસો મૂક્યો છે. રૂપિયામાં તાજેતરના ઘટાડાનો અર્થ એ બિલકુલ નથી કે દેશના આર્થિક ફંડામેન્ટલ્સ નબળા છે.
લિક્વિડિટી અને ફુગાવા અંગે મહત્વના સંકેત
- રેપો રેટ યોગ્ય: ગવર્નરે ઉમેર્યું હતું કે દેશના હાલના વિકાસ અને ફુગાવાના (Inflation) સમીકરણોને ધ્યાનમાં રાખતાં વર્તમાન રેપો રેટ એકદમ યોગ્ય છે.
- પર્યાપ્ત સાધનો: બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીની સ્થિતિને પહોંચી વળવા માટે RBI પાસે પૂરતા સાધનો ઉપલબ્ધ છે.
- SBI રિસર્ચનો મોટો દાવો: દરમિયાન SBI રિસર્ચના અન્ય એક અહેવાલ મુજબ, RBIની કન્સેશનલ સ્વાપ ફેસિલિટી સ્કીમ હેઠળ આગામી સમયમાં ભારતમાં કુલ 80 થી 85 અબજ ડોલરનો જંગી ઇનફ્લો આવવાની ધારણા છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ