જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં 30 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે મેડલની દૃષ્ટિએ નોંધપાત્ર રહ્યો. ભારતીય ખેલાડીઓએ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ત્રણ અને શૂટિંગમાં એક ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીત્યા. આ સાથે ભારતની કુલ મેડલ ટેલી 60 પર પહોંચી ગઈ છે, જેમાં 10 ગોલ્ડ, 21 સિલ્વર અને 29 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારતના ત્રણ ગોલ્ડ
ભારતે કમ્પાઉન્ડ આર્ચરીના ત્રણેય ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા. મહિલા ટીમમાં જ્યોતિ સુરેખા વેન્નમ, ચિકિતા તનિપર્થી અને પૃથિકા પ્રદીપની ટીમે ચીનને 238-234થી હરાવી ગોલ્ડ જીત્યો. ભારતીય ટીમનો 238નો સ્કોર વર્લ્ડ રેકોર્ડની બરાબરી સમાન રહ્યો.
પુરુષોની કમ્પાઉન્ડ ટીમમાં કુશલ દલાલ, સાહિલ જાધવ અને ગણેશ મણી રત્નમ થિરુમુરુએ ચીનને 238-237થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ચિકિતા તનિપર્થી અને સાહિલ જાધવની ભારતીય જોડીએ કોરિયાને શૂટ-ઓફમાં હરાવી ગોલ્ડ જીત્યો. આ જીત સાથે ભારતને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ક્વોટા સ્થાન પણ મળ્યું.
શૂટિંગમાં નીરુ ધાંડા અને કિનાન ચેનાઈનો ગોલ્ડ
શૂટિંગના મિક્સ્ડ ટ્રેપ ઇવેન્ટમાં નીરુ ધાંડા અને કિનાન ચેનાઈની ભારતીય જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે 30 સપ્ટેમ્બરે ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા ચાર થઈ.
મહિલા હોકી ટીમ ફાઇનલમાં
ભારતીય મહિલા હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતાં દક્ષિણ કોરિયાને 2-0થી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ભારત તરફથી ઈશિકા ચૌધરી અને કેપ્ટન સલિમા ટેટેએ ગોલ કર્યા. હવે ગોલ્ડ મેડલ માટે ભારતનો મુકાબલો ચીન સામે થશે.
ભારતની મેડલ ટેલી 60
30 સપ્ટેમ્બરના મુકાબલાઓ બાદ ભારતના ખાતામાં કુલ 60 મેડલ થયા છે. તેમાં 10 ગોલ્ડ, 21 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ સામેલ છે. કમ્પાઉન્ડ આર્ચરી અને શૂટિંગમાં મળેલા ચાર ગોલ્ડે ભારતની મેડલ ટેલીમાં મહત્વનો વધારો કર્યો છે.
એશિયન ગેમ્સ 2026માં ભારતનું અભિયાન હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં પણ ભારતીય ખેલાડીઓ વિવિધ રમતોમાં મેડલ માટે મેદાનમાં ઉતરશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ