એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટની સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 124 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 45 રનમાં 9.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ.
ઈશાન કિશનની શાનદાર અણનમ 80 રનની ઈનિંગ
ભારતની શરૂઆત ખાસ રહી નહોતી. અભિષેક શર્મા અને સંજુ સેમસન 7-7 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ વૈભવ સૂર્યવંશીએ 21 બોલમાં 38 રન બનાવી ભારતના સ્કોરને વેગ આપ્યો.
મધ્યક્રમમાં ઈશાન કિશને જવાબદારી સંભાળી અને શાનદાર બેટિંગ કરી. તેણે માત્ર 46 બોલમાં અણનમ 80 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઈનિંગના આધારે ભારત 169 રન સુધી પહોંચી શક્યું.
બુમરાહ અને અક્ષર સામે શ્રીલંકાની બેટિંગ ધરાશાયી
170 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલિંગ સામે શરૂઆતથી જ મુશ્કેલીમાં જોવા મળી. જસપ્રીત બુમરાહે 2 વિકેટ અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. અભિષેક શર્માએ પણ 2 વિકેટ ઝડપી શ્રીલંકાની ઈનિંગ સમેટવામાં મહત્વની ભૂમિકા ભજવી.
શ્રીલંકાની ટીમ માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે 124 રનની મોટી જીત નોંધાવી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સના પુરુષ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
હવે ભારત-પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટે મુકાબલો
ભારતની ફાઈનલમાં હવે પાકિસ્તાન સામે ટક્કર થશે. પાકિસ્તાને પોતાની સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. બંને ટીમો વચ્ચે ગોલ્ડ મેડલ માટેની મેચ 3 ઓક્ટોબર 2026ના રોજ કોરોગી સ્પોર્ટ્સ પાર્ક, નિશિન ખાતે રમાશે.
એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટની આ ફાઈનલ ખાસ બની છે, કારણ કે ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત એશિયન ગેમ્સના પુરુષ ક્રિકેટ ફાઈનલમાં સામસામે હશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ