જાપાનના આઇચી-નાગોયામાં ચાલી રહેલી Asian Games 2026માં 1 ઓક્ટોબરનો દિવસ ભારત માટે અનેક રમતોમાં મહત્વપૂર્ણ રહ્યો. ભારતીય ખેલાડીઓએ આર્ચરી, રેસલિંગ, સેલિંગ, સ્ક્વોશ સહિતની રમતોમાં મેડલ જીત્યા, જ્યારે ક્રિકેટ અને હોકીની ટીમોએ ગોલ્ડ મેડલની ફાઇનલમાં સ્થાન મેળવ્યું.
સેલિંગમાં ભારતે પ્રથમ મેડલ મેળવ્યો. પ્રિન્સ નોબલ કુરિસિંકલ અને મનુ ફ્રાન્સિસે મેન્સ સ્કિફ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. રેસલિંગમાં નિતેશ સિવાચે મેન્સ 97 કિગ્રા ગ્રીકો-રોમન કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો. આર્ચરીમાં ગણેશ મણિ રત્નમ થિરુમુરુએ મેન્સ ઇન્ડિવિજ્યુઅલ કમ્પાઉન્ડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
સ્ક્વોશમાં પણ ભારતને બે બ્રોન્ઝ મેડલ મળ્યા. મહિલા ટીમમાં જોશના ચિનપ્પા, અનાહત સિંહ અને તન્વી ખન્ના, જ્યારે પુરુષ ટીમમાં ભારતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ ઉપરાંત મેન્સ સેપાક ટાકરાવમાં વિયેતનામને હરાવી ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો અને વધુ એક મેડલ નિશ્ચિત કર્યો.
ટીમ સ્પોર્ટ્સમાં પણ ભારતે મહત્વની સફળતા મેળવી. મેન્સ હોકી ટીમે સેમિફાઇનલમાં પાકિસ્તાનને 4-3થી હરાવી ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવ્યું, જ્યારે મેન્સ ક્રિકેટ ટીમે શ્રીલંકાને 124 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.
1 ઓક્ટોબરના અંત સુધી ઉપલબ્ધ આંકડા મુજબ ભારતના મેડલ્સની સંખ્યા 64 — 10 ગોલ્ડ, 22 સિલ્વર અને 32 બ્રોન્ઝ સુધી પહોંચી હતી અને ભારત મેડલ ટેલીમાં આઠમા સ્થાને હતું. જોકે એશિયન ગેમ્સ હજુ ચાલુ હોવાથી મેડલ ટેલીમાં સતત ફેરફાર થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ