આઇચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ભારત માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારતીય ખેલાડી જય મીનાએ પુરુષોની સિંગલ્સ સોફ્ટ ટેનિસ સ્પર્ધાની સેમિફાઇનલમાં સ્થાન મેળવીને આ રમતમાં ભારતનો એશિયન ગેમ્સનો પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો છે.
ફિલિપાઇન્સના ખેલાડીને 4-3થી હરાવ્યો
ક્વાર્ટર ફાઇનલમાં જય મીનાનો મુકાબલો ફિલિપાઇન્સના શેરવિન નુગિટ સામે થયો હતો. બંને ખેલાડીઓ વચ્ચેની મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. અંતે જય મીનાએ 4-3થી જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
મેચમાં જય મીનાએ 0-4, 4-2, 2-4, 5-3, 2-4 અને 7-5ના ગેમ સ્કોર સાથે મુકાબલો પોતાના નામે કર્યો. નિર્ણાયક તબક્કામાં શાનદાર વાપસી કરીને તેણે જીત મેળવી હતી.
સેમિફાઇનલમાં પહોંચતા મેડલ પાક્કો
સોફ્ટ ટેનિસમાં સેમિફાઇનલમાં પહોંચનારા ખેલાડીઓને મેડલ મળવાનું નિશ્ચિત હોય છે. તેથી જય મીનાની છેલ્લી ચાર ખેલાડીઓમાં એન્ટ્રી સાથે જ ભારતનો સોફ્ટ ટેનિસમાં પ્રથમ એશિયન ગેમ્સ મેડલ પાક્કો થયો છે. હવે જય મીનાની નજર ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવવા પર રહેશે.
ત્રીજી વખત એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ
જય મીના માટે આ ત્રીજી એશિયન ગેમ્સ છે. તેણે અગાઉ 2018 અને 2022ની એશિયન ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વખતે તેણે સોફ્ટ ટેનિસમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ક્વાર્ટર ફાઇનલ પહેલાં તેણે ગ્રુપ તબક્કામાં પાકિસ્તાનના અરૈન હુસૈનને 4-0થી હરાવ્યો હતો.
ભારતના મેડલ અભિયાનમાં વધુ એક ઐતિહાસિક ઉમેરો
જય મીનાની સિદ્ધિ સાથે એશિયન ગેમ્સમાં ભારતના મેડલ અભિયાનમાં સોફ્ટ ટેનિસનો નવો અધ્યાય ઉમેરાયો છે. આ ઉપરાંત 23 સપ્ટેમ્બરે ભારતની મહિલા સ્કીટ ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રાઇઝા ધિલ્લોન, પરિનાઝ ધાલીવાલ અને મહેશ્વરી ચૌહાણની ટીમે કુલ 331નો સ્કોર નોંધાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ