ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (GUJCOST) દ્વારા આયોજિત નેશનલ સ્ટેમ ક્વિઝ-૪.૦ માં ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના સક્રિય પ્રયાસોથી જિલ્લામાંથી ૮૬ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી ૪૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાએ ભવ્ય પસંદગી થઈ છે.
દેશભરમાંથી આશરે ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય તેવી આ મહાસંપન્ન સ્પર્ધામાં તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાની કઠિન સ્પર્ધાઓ પાર કરીને આ વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. ૨ કરોડ સુધીના ઈનામોની જોગવાઈ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને રૂ. ૧૦ લાખથી વધુ કિંમતના ટેબ્લેટનું વિતરણ રાષ્ટ્રીય અવકાશ દિવસના ખાસ પ્રસંગે રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે એક વિશેષ ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલા ભાવનગરના ૪૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે રૂ. ૧૦ લાખથી વધુની કુલ કિંમતના આધુનિક ટેબ્લેટ આપીને સન્માનિત કરાયા હતા.
આ ગૌરવપૂર્ણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્ય મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની સરાહના કરી હતી. આ સાથે પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય તેમજ કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેને હાજરી આપી તમામ વિજેતાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ