ગુજરાતી બાળસાહિત્યને આધુનિક અને નવીન પરિમાણ આપનાર જામનગરના જાણીતા બાળસાહિત્યકાર અને શિક્ષક શ્રી કિરીટ ગોસ્વામીની વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિમાં ઉમેરો થયો છે. મુંબઈ સ્થિત સુપ્રસિદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થા ‘કલા ગુર્જરી’ દ્વારા વર્ષ ૨૦૨૫ના પ્રતિષ્ઠિત ‘ગિરા ગુર્જરી પારિતોષિક’ ( બાળસાહિત્ય વિભાગ)માટે તેમના લોકપ્રિય બાળગીત સંગ્રહ ‘ટમેટું મારું ફ્રેન્ડ છે!’ ની પસંદગી કરવામાં આવી છે.

૨૧મી સદીના સ્માર્ટફોન અને ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલની સ્ક્રીનથી દૂર રાખી ફરીથી પુસ્તકો અને બાળગીતો તરફ વાળવાનું ભગીરથ કાર્ય કિરીટ ગોસ્વામી કરી રહ્યા છે. પરંપરાગત ઉપદેશાત્મક શૈલીને બદલે બાળકોના મનોવિજ્ઞાનને સમજીને તેમણે અનુઆધુનિક બાળસાહિત્યમાં એક નવી કેડી કંડારી છે.
તેમણે અત્યાર સુધીમાં બાળગીત, બાળવાર્તા અને શિશુકથાના ૪૦થી વધુ પુસ્તકોનું સર્જન કર્યું છે, જેમાંથી અનેક રચનાઓને ગુજરાત અને અન્ય રાજ્યોની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન મળ્યું છે. તેઓ ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ જઈને બાળગીતોના ગાન, વાર્તાકથન અને સર્જનાત્મક વર્કશોપ દ્વારા બાળસાહિત્યનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. બાળકોમાં તેઓ અત્યંત લોકપ્રિય છે.

શ્રી કિરીટ ગોસ્વામીની કલમ ગુજરાતી ઉપરાંત હિન્દી બાળસાહિત્યમાં પણ રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ છે. તેમને અગાઉ સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય બાળ સાહિત્ય પુરસ્કાર (૨૦૨૨) તેમના જાણીતા બાળગીત સંગ્રહ ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું!’ માટે ભારત સરકારની સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર‌ પ્રાપ્ત થયો છે. ઉપરાંત,પન્નાલાલ શર્મા બાળસાહિત્ય પુરસ્કાર બાળ સાહિત્ય સંશોધન કેન્દ્ર, ભોપાલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે તથા શ્રી મુન્નીલાલ મિશ્રા બાળસાહિત્ય સાધના પુરસ્કાર (૨૦૨૬): આરિણી બાળસાહિત્ય સંસ્થાન, ભોપાલ દ્વારા તેમના હિન્દી બાળગીત સંગ્રહ ‘હાથીરાજા સ્કૂલ ચલે’ માટે રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયેલ છે. આ સિવાય રાષ્ટ્રીય ‘બાલપ્રહરી’ સન્માન: ઉત્તરાખંડ સાહિત્ય સંસ્થાન દ્વારા બાળસાહિત્યમાં વિશિષ્ટ યોગદાન બદલ પ્રાપ્ત થયું છે.

ગુજરાત સાહિત્ય અકાદમી અને હિન્દી સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકો: ‘એક બિલાડી બાંડી’, ‘ગોળ ગોળ લાડુ’ અને હિન્દી સંગ્રહ ‘હાથીરાજા સ્કૂલ ચલે’ જેવા પુસ્તકો માટે રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ મળ્યા છે.ઉપરાંત, ગુજરાતી સાહિત્ય પરિષદ, બાળસાહિત્ય અકાદમી, વિદ્યા ગુરુ ફાઉન્ડેશન,અંજુ નરશી, ગુજરાત કલા પ્રતિષ્ઠાન, અસાઈત સાહિત્ય સભા જેવા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમને પ્રાપ્ત થયેલ છે.

‘ટમેટું મારું ફ્રેન્ડ છે!’ પુસ્તકને મુંબઈની કલા ગુર્જરી સંસ્થા દ્વારા ગિરા ગુર્જરી પારિતોષિક મળવાની જાહેરાત થતાં જામનગર સહિત સમગ્ર ગુજરાતના સાહિત્યપ્રેમીઓ, શિક્ષણજગત અને શુભેચ્છકો તરફથી કિરીટ ગોસ્વામી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.