શ્રીલંકા સામે ગૉલ (Galle) ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના 26 વર્ષીય ડાબોડી યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલે શાનદાર પ્રદર્શન કરતા પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી છે. પોતાની કારકિર્દીની માત્ર ત્રીજી જ ટેસ્ટ મેચ રમી રહેલા પડિક્કલે મેચના પ્રથમ દિવસે જ આ સિદ્ધિ હાંસલ કરીને ક્રિકેટ જગતમાં પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે.
સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થઈને ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ જતાં ટીમ મેનેજમેન્ટે નંબર-3 પર બેટિંગ કરવાની જવાબદારી દેવદત્ત પડિક્કલને સોંપી હતી. મળેલા આ અવસરનો પૂરો લાભ ઉઠાવતાં પડિક્કલે ભારતની પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી માત્ર 134 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
આ સદી સાથે જ દેવદત્ત પડિક્કલ ભારત માટે નંબર-3 ક્રમે બેટિંગ કરીને ટેસ્ટ સદી ફટકારનાર બીજા ડાબોડી બેટ્સમેન બની ગયા છે. આ પહેલાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વર્ષ 2002માં દિલ્હી ખાતે ઝિમ્બાબ્વે સામે 136 રનની ઇનિંગ રમીને આ સિદ્ધિ મેળવી હતી. સપ્ટેમ્બર 2024માં શુભમન ગિલે આ ક્રમ પર સદી ફટકાર્યા બાદ સાત અલગ-અલગ બેટ્સમેનોને અજમાવવામાં આવ્યા હતા, પરંતુ નંબર-3 પર સદીની લાંબી રાહ દેવદત્ત પડિક્કલે પૂર્ણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2024માં ઇંગ્લેન્ડ સામે ધર્મશાલા ખાતે ડેબ્યૂ કરનાર પડિક્કલે પોતાની પ્રથમ મેચમાં 65 રનની અર્ધસદી ફટકારી હતી. આ ઉપરાંત શ્રીલંકા ક્રિકેટ ઇલેવન સામેની અભ્યાસ મેચમાં પણ તેમણે અણનમ 142 રન બનાવ્યા હતા. પડિક્કલની આ ઇનિંગથી ભારતીય બેટિંગ લાઇનઅપ વધુ મજબૂત બની છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ