ગુજરાતના GIFT Cityને વૈશ્વિક મેરિટાઇમ અને ફાઇનાન્સિંગ હબ તરીકે વિકસાવવાના પ્રયાસોને વધુ વેગ આપવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે GIFT Cityના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં કાર્યરત પાત્ર એકમોને Coastal Shipping Act, 2025ની કલમ 11 હેઠળ વિદેશી જહાજો ચાર્ટર કરવા માટે જરૂરી લાઇસન્સમાંથી મુક્તિ આપી છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.
પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, હવે GIFT Cityના IFSCમાં નોંધાયેલા પાત્ર એકમોને આયાત-નિકાસ (EXIM) તથા આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત કામગીરી માટે વિદેશી જહાજો ચાર્ટર કરવા ડિરેક્ટર જનરલ ઑફ શિપિંગ પાસેથી લાઇસન્સ લેવાની જરૂર રહેશે નહીં.
સરકારનું માનવું છે કે આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય શિપિંગ ક્ષેત્રમાં નિયમનકારી પ્રક્રિયા વધુ સરળ બનશે અને GIFT Cityમાં મેરિટાઇમ લીઝિંગ, શિપ ફાઇનાન્સિંગ, જહાજ માલિકી તેમજ અન્ય મૂલ્યવર્ધિત મેરિટાઇમ સેવાઓને પ્રોત્સાહન મળશે. સાથે જ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવામાં પણ મદદ મળશે.
કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના મેરિટાઇમ ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સુધારાઓ થયા છે. હવે આગામી તબક્કામાં ઓછા નિયમન અને વધુ કાર્યક્ષમતાના આધારે ભારતને વૈશ્વિક મેરિટાઇમ શક્તિ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર Coastal Shipping Act, 2025ની કલમ 11 હેઠળના લાઇસન્સ પૂરતી મર્યાદિત છે. કોસ્ટલ ટ્રેડ (કેબોટેજ) સંબંધિત હાલના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે દેશની આંતરિક દરિયાઈ વેપાર વ્યવસ્થા અગાઉની જેમ જ ચાલુ રહેશે.
સરકારના જણાવ્યા મુજબ, આ નીતિ GIFT Cityને વિશ્વસ્તરીય ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર તરીકે વિકસાવવાના વ્યાપક વિઝનનો મહત્વપૂર્ણ ભાગ છે અને તેના કારણે ભારતનું મેરિટાઇમ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ