જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં 26 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય કબડ્ડી માટે ખાસ રહ્યો. ભારતની વુમન્સ અને મેન્સ બંને કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યા અને એક જ દિવસે કબડ્ડીમાં બે સુવર્ણ ચંદ્રક ભારતના નામે કર્યા.

વુમન્સ ટીમે 37-34થી ઈરાનને હરાવ્યું

દિવસની શરૂઆતમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાન સામે રોમાંચક ફાઇનલ રમી હતી. બંને ટીમો વચ્ચે અંત સુધી મુકાબલો કાંટે-કી-ટક્કરનો રહ્યો હતો. ભારતે અંતિમ તબક્કામાં સંયમ જાળવી રાખીને 37-34થી જીત મેળવી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ સાથે ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સમાં પોતાનું ખિતાબ જાળવી રાખ્યું.

મેન્સ ટીમે પણ ઈરાન સામે જીત મેળવી

મહિલા ટીમ બાદ ભારતીય પુરુષ કબડ્ડી ટીમે પણ ઈરાન સામે ફાઇનલ રમી હતી. મુકાબલામાં બંને ટીમો વચ્ચે શરૂઆતથી જ જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ હાફમાં ઈરાને 18-17ની સરસાઈ મેળવી હતી, પરંતુ બીજા હાફમાં ભારતે વાપસી કરી અને મેચ પર પકડ મજબૂત બનાવી. અંતે ભારતે 40-34થી ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યો.

ભારતનો કબડ્ડીમાં ગોલ્ડન ડબલ

મેન્સ ટીમની જીત સાથે ભારતે એશિયન ગેમ્સ 2026માં કબડ્ડીમાં ગોલ્ડન ડબલ પૂર્ણ કર્યું. બંને ટીમોએ ફાઇનલમાં એક જ વિરોધી એટલે કે ઈરાનને હરાવ્યું. પુરુષ ટીમ માટે આ એશિયન ગેમ્સમાં 9મો કબડ્ડી ગોલ્ડ હતો, જ્યારે મહિલા ટીમે પોતાનું ચોથું એશિયન ગેમ્સ કબડ્ડી ગોલ્ડ જીત્યું.

કબડ્ડીમાં ભારતની આ સફળતા ખાસ એટલા માટે પણ મહત્વની છે કે પુરુષ અને મહિલા બંને ટીમોએ અગાઉની એશિયન ગેમ્સમાં જીતેલા ખિતાબને જાળવી રાખ્યો છે. 26 સપ્ટેમ્બરે મળેલા આ બે ગોલ્ડથી ભારતના એશિયન ગેમ્સ અભિયાનમાં વધુ વધારો થયો છે.