જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામના ખેડૂત જયસુખભાઈ કપુરિયા છેલ્લા વર્ષ 2019થી પોતાના 'માધવ પ્રાકૃતિક ફાર્મ' ખાતે પાંચ વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગ વગર ખેતી કરીને ગુણવત્તાસભર અને ઝેરમુક્ત પાકનું ઉત્પાદન કરી રહ્યા છે. તેમની આ પહેલ માત્ર ખેતી પૂરતી સીમિત નથી, પરંતુ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે. સાથે જ તેઓ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપી રહ્યા છે.
જયસુખભાઈ પોતાના ખેતરમાં ઋતુને અનુરૂપ વિવિધ પાકોની ખેતી કરે છે. ચોમાસાની ઋતુમાં મગફળી, શિયાળામાં ઘઉં, ચણા અને જીરું તેમજ ઉનાળામાં મગ અને મઠ જેવા પાકોનું સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદન કરવામાં આવે છે. તેમના જણાવ્યા અનુસાર, પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલા તમામ ઉત્પાદનો ગુણવત્તાસભર, પોષક તત્વોથી સમૃદ્ધ અને સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. ગ્રાહકો સુધી વ્યાજબી કિંમતે શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી પહોંચાડવાનો તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા માટે ATMA (આત્મા) પ્રોજેક્ટ અને આત્મા ગ્રુપ દ્વારા જયસુખભાઈને વિવિધ પ્રકારની મદદ મળી રહી છે. ગાયોના સંવર્ધન માટે શેડ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે તેમના ઉત્પાદનોના વેચાણ માટે યોજાતા પ્રદર્શન, મેળા અને સ્ટોલમાં પણ સહયોગ આપવામાં આવે છે. આ સહકારના કારણે તેમની પ્રાકૃતિક ખેતીને વધુ લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી રહી છે.
જયસુખભાઈ કપુરિયાનું માનવું છે કે પરિવારના સ્વાસ્થ્ય અને સમાજને ઝેરમુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા માટે ખેડૂતોને પોતાની જમીનમાંથી ઓછામાં ઓછી 2.5થી 5 વીઘા વિસ્તારમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. તેમના મત મુજબ, આવી ખેતી જમીનની ઉર્વરતા જાળવવા, પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા અને ટકાઉ કૃષિ વ્યવસ્થા વિકસાવવા માટે અત્યંત અસરકારક સાબિત થાય છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ