ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 2 ઓગસ્ટ સુધી જામનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વરસાદ દરમિયાન આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે અને સામાન્ય જનજીવન પર ઓછામાં ઓછી અસર પડે તે માટે જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ (શુક્રવાર) અને 1 ઓગસ્ટ (શનિવાર)ના રોજ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સ્થગિત રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
31 જુલાઈ અને 1 ઓગસ્ટે શૈક્ષણિક કાર્ય રહેશે બંધ
વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના જાહેર કરી છે. તેના અનુસાર જામનગર જિલ્લાના તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તેમજ જામનગર શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
તે ઉપરાંત, આંગણવાડી કેન્દ્રો અંગે પણ જરૂરી સૂચનાઓ સંબંધિત વિભાગોને આપવામાં આવી છે જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
SDRF ટીમ તૈયાર, સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર
જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે સતત કામગીરી કરવાની અને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તરત જ કાર્યવાહી કરવા સૂચના આપી છે. સંભવિત પૂર અથવા પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે SDRFની એક ટીમને જિલ્લામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
નીચાણવાળા અને પૂરપ્રવણ વિસ્તારો પર સતત નજર રાખવા તેમજ જરૂર પડે ત્યાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.
અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ
જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે ભારે વરસાદ દરમિયાન અફવાઓથી દૂર રહે, માત્ર સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે અને ખૂબ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. તેમણે તમામ લોકોને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
વિવિધ વિભાગોના અધિકારીઓ બેઠકમાં જોડાયા
આ સમીક્ષા બેઠકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી. કેટલાક અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી બેઠકમાં જોડાયા હતા અને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ