જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આગામી 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન શ્રાવણ વદ પાંચમથી અમાસ સુધી 11 દિવસીય શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવશે. શુક્રવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મેળાના આયોજનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં રાઇડ્સ, સ્ટોલ અને પ્લોટની ફાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ધીરેનભાઈ મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કુલ અંદાજે ₹3.30 કરોડના વિવિધ વિકાસ અને જાહેર સુરક્ષા સંબંધિત ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વરસાદી સિઝનમાં બચાવ કામગીરી માટે વોટર રેસ્ક્યુ બોટ, રાફ્ટ, ટેન્ટ સહિતના આધુનિક સાધનોની ખરીદી માટે ₹2.09 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
લોકમેળામાં રહેશે 59 પ્લોટ્સ અને 6 મોટી રાઇડ્સ
મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષના શ્રાવણી લોકમેળામાં કુલ 59 પ્લોટ્સ ફાળવવામાં આવશે. તેમાં છ મોટી રાઇડ્સ, વિવિધ મનોરંજનની રાઇડ્સ, બાળકો માટેના રમૂજી સાધનો, ખાણીપીણીના સ્ટોલ, રમકડાં, ઘરવપરાશની વસ્તુઓ અને અન્ય વેપારી સ્ટોલનો સમાવેશ થશે.
શ્રાવણી મેળો શહેર અને જિલ્લાના લોકો માટે દર વર્ષે સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક આકર્ષણોમાંનો એક ગણાય છે. ખાસ કરીને સાતમ, આઠમ, નોમ અને અમાસના દિવસોમાં જામનગર શહેર ઉપરાંત સમગ્ર હાલાર વિસ્તાર અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લે છે.
સલામતી અને સુવિધા પર રહેશે વિશેષ ધ્યાન
મહાનગરપાલિકા દ્વારા મેળામાં આવનારા લાખો મુલાકાતીઓ માટે પાર્કિંગ, પીવાનું પાણી, સ્વચ્છતા, પ્રકાશ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, અગ્નિશામક સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આયોજન કરવામાં આવશે. વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને મેળાનું સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ હવે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. ટેન્ડર પૂર્ણ થયા બાદ સંચાલકની પસંદગી કરીને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાઇડ્સ, સ્ટોલ અને અન્ય સુવિધાઓ ઊભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
સ્થાનિક વેપારીઓને મળશે રોજગારની તક
શ્રાવણી લોકમેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ સ્થાનિક વેપારીઓ, નાના ધંધાર્થીઓ અને ફૂડ સ્ટોલ સંચાલકો માટે પણ વેપાર અને રોજગારીની મહત્વપૂર્ણ તક ઉભી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો મુલાકાતીઓ મેળામાં ઉમટવાની શક્યતા હોવાથી શહેરના સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ