વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓના શેરોનું ટ્રેડિંગ સંભાળતા નાસ્ડેક (Nasdaq) એ અઠવાડિયાના પાંચેય દિવસ 24 માંથી 23 કલાક બજાર ચાલુ રાખવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. એક અહેવાલ મુજબ, નાસ્ડેક રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા (ET) સુધી એક નવું ‘ઓવરનાઈટ ટ્રેડિંગ સેશન’ શરૂ કરવા જઈ રહ્યું છે. નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ આ વ્યવસ્થા 6 ડિસેમ્બર, 2026થી અમલી બનવાની ધારણા છે.
દૈનિક ૧ કલાકનો બ્રેક અને નવું શેડ્યૂલ
નવા શેડ્યૂલ અનુસાર, રવિવારે રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈને શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલુ રહેશે. દરરોજ રાત્રે 8થી 9 વાગ્યા વચ્ચે એક કલાકનો વિરામ લેવામાં આવશે, જેનો ઉપયોગ સિસ્ટમ પ્રોસેસિંગ માટે થશે. હાલના સવારના 4થી રાત્રે 8 વાગ્યા સુધીના ટ્રેડિંગ સમયમાં કોઈ ફેરફાર કરાશે નહીં. ખાસ કરીને અમેરિકા બહારના ગ્લોબલ રોકાણકારોની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
ઓવરનાઈટ સેશનના નિયમો અને સુરક્ષા
ઓવરનાઈટ સેશનમાં ભાગ લેવા માટે ટ્રેડર્સે નવા પોર્ટ્સ મેળવવા પડશે. આ સેશનમાં માર્કેટ ઓર્ડર્સ કે ઓપનિંગ-ક્લોઝિંગ જેવા તમામ પ્રકારે ઓર્ડર્સ ઉપલબ્ધ નહીં રહે. સવારે 4 વાગ્યા સુધીમાં જે ઓર્ડર પૂર્ણ નહીં થાય તે આપોઆપ રદ થશે. આ ઉપરાંત, જોખમ નિયંત્રણ માટે સ્ટેટિક પ્રાઈસ બેન્ડ્સ અને અલગ માર્કેટ ફીડ જેવી સુરક્ષાત્મક સિસ્ટમ લાગુ કરાશે.
લંડન સ્ટોક એક્સચેન્જે પણ જાહેર કર્યું 'LSE 24'
બીજી તરફ, લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) પણ ‘LSE 24’ નામનું નવું પ્લેટફોર્મ લાવવાની તૈયારીમાં છે, જે સોમવારથી શુક્રવાર સાંજે 5 વાગ્યાથી સવારે 7:50 વાગ્યા સુધી કાર્યાન્વિત રહેશે. તેમાં સાંજે 6:30થી 7 વાગ્યા સુધી 30 મિનિટનો ક્લોઝિંગ બ્રેક રહેશે. વર્ષ 2026ના અંત સુધીમાં તેનું ટેસ્ટિંગ શરૂ થશે અને 2027ના પ્રથમ છ મહિનામાં તે સત્તાવાર રીતે લોન્ચ થઈ શકે છે.
ભારતીય બજારમાં આવી વ્યવસ્થાની શક્યતા નહિવત
ભારતમાં હાલમાં આવી 24 કલાકની ટ્રેડિંગ સિસ્ટમ અમલી બનવાની શક્યતા ખૂબ ઓછી છે. NSE અને BSEનું કેશ માર્કેટ સવારે 9:15થી બપોરે 3:30 વાગ્યા સુધી જ કામ કરે છે. નિષ્ણાતોના મતે, ભારતમાં રાઉન્ડ-ધ-ક્લોક ટ્રેડિંગ શરૂ કરવા માટે માત્ર એક્સચેન્જ જ નહીં પણ બ્રોકર્સ, બેંકો, ક્લિયરિંગ હાઉસ અને ડિપોઝિટરીઝે પણ 24 કલાક કાર્યરત રહેવું પડે, જેનાથી ઓપરેશનલ ખર્ચમાં ધરખમ વધારો થઈ શકે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ