નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા મેળવવા માટે પેન્શન ખાતું ખોલવા ઇચ્છતા લોકો માટે ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) સાથે સંકળાયેલી NPCI BHIM Services Limited અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA)ની પહેલ હેઠળ હવે BHIM પેમેન્ટ્સ એપ દ્વારા ‘તત્કાલ NPS’ સુવિધાનો લાભ લઈ શકાશે. આ વ્યવસ્થાથી પાત્ર ગ્રાહકો બેંકની શાખામાં ગયા વિના પેન્શન ખાતું ખોલી શકશે.
ત્રણ સરળ પગલાંમાં ખાતું ખોલવાની સુવિધા
આ સુવિધા દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં જોડાવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાતું ખોલવા માટે ગ્રાહકે BHIM એપ ખોલીને NPS વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ જન્મતારીખ દાખલ કરીને પાત્ર બેંક ખાતું પસંદ કરવાનું રહેશે. અંતિમ તબક્કામાં UPI મારફતે ઓછામાં ઓછા ₹250નું પ્રથમ યોગદાન કરવાનું રહેશે. નોંધણી માટે બેંક દ્વારા અગાઉથી ચકાસાયેલ KYC વિગતોનો ઉપયોગ થાય છે, તેથી અલગથી દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેતી નથી.
ખાતું ખુલીયા બાદ નિયમો ને આધીન માત્ર રૂપિયા 10 થી પણ વધુ રકમ નું રોકાણ ચાલુ રાખી સકાય છે.18 થી 85 વરસની વયના કોઈ પણ નાગરિક આ સુવીધા નો લાભ લઇ સકે છે .
હાલ છ બેંકોના ગ્રાહકોને લાભ
હાલમાં BHIM એપ પર આ સુવિધા સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI), HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને બેંક ઑફ બરોડાના પાત્ર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આગામી સમયમાં અન્ય બેંકોને પણ આ સુવિધા સાથે જોડવાની અપેક્ષા છે.
NPS શું છે?
નેશનલ પેન્શન સિસ્ટમ નિવૃત્તિ માટે લાંબા ગાળાની બચત ઊભી કરવામાં મદદ કરતી યોજના છે. તેમાં જમા થતું નાણું પસંદ કરેલા રોકાણ વિકલ્પો અને પેન્શન ફંડ મેનેજર મુજબ બજાર સાથે જોડાયેલા સાધનોમાં રોકાણ કરવામાં આવે છે. તેથી મળતું વળતર નિશ્ચિત હોતું નથી અને તેમાં રોકાણનું જોખમ રહે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ