રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટેક્સેશન અને ઓનલાઈન પેમેન્ટ સંબંધિત મહત્વપૂર્ણ સુધારા વિધેયકોને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આ નવા કાયદાકીય ફેરફારોને કારણે દેશમાં વિદેશી રોકાણ, ઇલેક્ટ્રોનિક્સ સામાનનું ઉત્પાદન અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના નિયમોમાં વ્યાપક બદલાવ જોવા મળશે.
કાયદા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (અમેન્ડમેન્ટ) ઍક્ટ, 2026' અને 'પેમેન્ટ ઍન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (અમેન્ડમેન્ટ) ઍક્ટ'ને 17 ઑગસ્ટના રોજ રાષ્ટ્રપતિની લીલી ઝંડી મળી ગઈ છે. આ પહેલાં 10 ઑગસ્ટના રોજ સંસદના બંને ગૃહોમાં આ બિલ પસાર કરવામાં આવ્યા હતા, જે હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે.
વિદેશી રોકાણ અને ડેટા સેન્ટર્સને પ્રોત્સાહન
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આ નવા ટેક્સ કાયદાઓ દ્વારા દેશમાં વિદેશી રોકાણને આકર્ષવાનો અને સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કરવાનો છે. આ ઉપરાંત, વિદેશી ક્લાઉડ કંપનીઓ માટે ભારતના ડેટા સેન્ટર્સનો ઉપયોગ વધુ સરળ અને સુલભ બને તે માટે ટેક્સ નિયમોને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવામાં આવ્યા છે.
MDR અંગે નિર્ણય લેવાની સત્તા સરકાર પાસે
નવા કાયદા મુજબ, હવે કયા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલવો કે નહીં તેનો નિર્ણય લેવાની સીધી સત્તા સરકાર હસ્તક રહેશે. એટલે કે UPI અને અન્ય ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ પર લાગતા ચાર્જ અંગેની નીતિ નક્કી કરવાનો અધિકાર હવે કેન્દ્ર સરકાર પાસે રહેશે.
સામાન્ય ગ્રાહકો માટે UPI તદ્દન મફત રહેશે
સંસદમાં બિલ પરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે સામાન્ય નાગરિકો માટે UPI પેમેન્ટ સેવા સંપૂર્ણપણે મફત જ રહેશે. ભવિષ્યમાં જો કોઈ ચાર્જ કે MDR નક્કી કરવામાં આવશે, તો તે માત્ર ચોક્કસ કેટેગરીના વેપારી (મર્ચન્ટ) ટ્રાન્ઝેક્શન્સ પર જ લાગુ થશે.
હાલની સ્થિતિ અને આગળનો માર્ગ
હાલમાં UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર બેંકો કે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ વસૂલી શકતા નથી. હવેથી MDR સંબંધિત નિર્ણયો અને નીતિઓ નક્કી કરવામાં NPCI ની 'UPI એન્ડ સર્વિસીસ સ્ટીયરિંગ કમિટી' પણ મહત્વની ભૂમિકા નિભાવશે.
'ટેક્સેશન ઍન્ડ અધર લોઝ(અમેન્ડમેન્ટ) ઍક્ટ, 2026' (વિદેશી રોકાણ અને ટેક્સ છૂટ)
- 5 જૂનના ઓર્ડિનન્સનું સ્થાન: આ નવો કાયદો ગત 5 જૂનના રોજ લાવવામાં આવેલા વટહુકમની જગ્યા લે છે. જેમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સરકારી બોન્ડ્સમાં રોકાણથી થતી વ્યાજની આવક અને કેપિટલ ગેઇન્સ પર ઇન્કમટેક્સમાં મુક્તિ આપવામાં આવી હતી.
- ફંડ મેનેજર્સ માટે નિયમો સરળ: કાયદા હેઠળ વિદેશી રોકાણકારો અને ફંડ મેનેજર્સ માટે ભારતમાં કામગીરી શરૂ કરવી કે શિફ્ટ કરવી ઘણી સરળ બનાવવામાં આવી છે.
- ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે 2040-41 સુધી ટેક્સ છૂટ: ભારતમાં કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર દ્વારા ઈલેક્ટ્રોનિક સામાન બનાવતી વિદેશી કંપનીઓને મળતી ઇન્કમટેક્સ છૂટને હવે 2040-41 સુધી લંબાવી દેવામાં આવી છે.
- આવરી લેવાયેલી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ: ઍક્ટમાં સ્પષ્ટ કરાયેલી વસ્તુઓમાં મોબાઇલ ફોન, લેપટોપ, પર્સનલ કમ્પ્યુટર, ટેબ્લેટ, સર્વર તેમજ તેના મુખ્ય પાર્ટ્સ અને એક્સેસરીઝનો સમાવેશ થાય છે.
- કસ્ટમ્સ વેરહાઉસ અને કમ્પોનન્ટ સપ્લાય: ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીઓ માટે કમ્પોનન્ટ્સના પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે, ભારતમાં કોઈપણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરરને સપ્લાય કરવા માટે કસ્ટમ્સ વેરહાઉસમાં કમ્પોનન્ટ્સ રાખતી વિદેશી કંપનીઓને 15 વર્ષ માટે ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ