ગુજરાતના ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહોને તેમના કુદરતી રહેઠાણમાં નિહાળવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સાસણ ગીર અને દેવાળિયા સફારી પાર્ક વન્યજીવપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસીઓ વનવિભાગ દ્વારા સંચાલિત સફારીમાં ભાગ લઈને સિંહો સહિત અન્ય વન્યજીવોને નિહાળી શકે છે.
ગીર જંગલ સફારી માટે સત્તાવાર વેબસાઇટ પર દર્શાવેલી માહિતી મુજબ, મુખ્ય ગીર જંગલ સફારી 16 જૂનથી 15 ઑક્ટોબર સુધી બંધ રહે છે અને 16 ઑક્ટોબરથી શિયાળુ સમયપત્રક લાગુ થાય છે. આ સમયગાળામાં સવારે 6:30થી 9:30 અને બપોરે 3:00થી સાંજે 6:00 વાગ્યા સુધી સફારીનો સમય દર્શાવવામાં આવ્યો છે.
બીજી તરફ, દેવાળિયા સફારી પાર્કમાં સફારીની વ્યવસ્થા અલગ સમયપત્રક મુજબ ચાલે છે. અહીં જીપ્સી અને મિની બસ સફારીના સમય અલગ હોય છે. દેવાળિયા સફારી પાર્ક દર બુધવારે બંધ રહે છે. પ્રવાસીઓએ સફારી માટે નીકળતાં પહેલાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધતા, સમય અને પરમિટની વિગતો તપાસવી જોઈએ.
સફારી માટેનું બુકિંગ માત્ર સત્તાવાર વેબસાઇટ દ્વારા કરવું અને મુલાકાત દરમિયાન માન્ય ઓળખપત્ર સાથે રાખવું જરૂરી છે. ગીરના જંગલમાં સિંહો ઉપરાંત અન્ય વન્યજીવો અને પ્રકૃતિનો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બની શકે છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ