કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુની તાજેતરની વડોદરા મુલાકાત સમયે એરપોર્ટ ડાયરેક્ટર, GIF, એડવાઈઝરી કમિટી અને જનપ્રતિનિધિઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકના પરિણામે વડોદરા એરપોર્ટ પરથી એર કાર્ગો ઓપરેશન શરૂ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. આ અંગે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ એરપોર્ટના વિકાસ અને નવી સુવિધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખૂબ જ ટૂંક સમયમાં વડોદરાથી એર કાર્ગો સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવશે.
વેપારીઓ અને ઉદ્યોગો માટે મોટો ફાયદો
મધ્ય ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર હોવા છતાં, અત્યાર સુધી વડોદરાના ઉદ્યોગકારોને માલ-સામાન મોકલવા માટે ૧૦૦ કિલોમીટરથી વધુ દૂર જવું પડતું હતું. આનાથી સમય, નાણાં અને શ્રમ ત્રણેયનો વ્યય થતો હતો.
હવે વડોદરા એરપોર્ટ પર ઈમિગ્રેશન અને કસ્ટમ્સ જેવી પ્રાથમિક સુવિધાઓ પહેલેથી જ તૈયાર હોવાથી, ખૂબ જ ઝડપથી એર કાર્ગો સેવા શરૂ કરી શકાશે, જેનાથી સ્થાનિક વેપારને નવું બળ મળશે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અંગે શું છે સ્થિતિ?
સાંસદે સીધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોઈપણ એરલાઈન કંપની પ્રવાસીઓની સંખ્યા અને વ્યાપારી લાભ જોઈને જ રૂટ નક્કી કરતી હોય છે. તેમાં સરકારનો સીધો હસ્તક્ષેપ હોતો નથી. તેથી ખોટી આશાઓ આપવાને બદલે, વ્યવહારુ ઉકેલ લાવવા માટે પાંચ મુખ્ય દિશાઓમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
'હબ એન્ડ સ્પોક' મોડેલથી મુસાફરી સરળ બનશે
પ્રવાસીઓની સુવિધા માટે વડોદરા એરપોર્ટ પર 'હબ અને સ્પોક' (Hub & Spoke) વ્યવસ્થા લાગુ કરવાનું આયોજન છે:
- એક જ વાર ચેક-ઈન: મુસાફરોએ ઈમિગ્રેશન અને સિક્યુરિટી ચેકિંગ વડોદરા એરપોર્ટ પર જ પૂરું કરી લેવાનું રહેશે.
- સીધો આંતરરાષ્ટ્રીય પ્રવાસ: અહીંથી કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા દિલ્હી, મુંબઈ કે અમદાવાદ પહોંચીને, ફરીથી ચેકિંગ કરાવ્યા વિના સીધા જ વિદેશની ફ્લાઈટમાં બેસી શકાશે.
કેન્દ્રીય મંત્રીએ આ મોડેલને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જો બધું જ આયોજન મુજબ રહ્યું, તો આગામી ૨ થી ૩ મહિનામાં આ વ્યવસ્થા શરૂ થઈ જશે, જેથી વડોદરાવાસીઓને વિદેશ પ્રવાસ કરતી વખતે બમણી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ