ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારે આવેલા 45.61 લાખ હેક્ટર ખેતી ક્ષેત્રમાંથી 28,000 હેક્ટરમાં નાળિયેરીનો લીલોછમ પટ્ટો લહેરાઈ રહ્યો છે. આ હરિયાળી ક્રાંતિમાં એકલા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની જ 17,500 હેક્ટર જમીન સિંહફાળો ધરાવે છે. એક હેક્ટરે સરેરાશ 177 નાળિયેરીના વૃક્ષો સાથે પ્રતિ હેક્ટર 13,000 નાળિયેરની અધધ ઉપજ મળી રહી છે. સરકાર દ્વારા બીટી જાતના વાવેતરને પ્રોત્સાહન અપાતાં જૂનાગઢમાં દર વર્ષે 130થી 200 હેક્ટર અને ગીર સોમનાથમાં પણ તેટલો જ અદભુત વધારો નોંધાઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રમાંથી 17 કરોડ લીલા નાળિયેરનો દેશવ્યાપી કારોબાર રાજ્યમાં દર વર્ષે ઉત્પાદિત થતા કુલ 26 કરોડ નાળિયેરમાંથી એકલા સોરઠ અને ગીર સોમનાથમાંથી જ 17.42 કરોડ નાળિયેર દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચી રહ્યા છે. જૂનાગઢ જિલ્લો વાર્ષિક 6.97 કરોડ નાળિયેરના વાવેતર અને 6,770 હેક્ટર જમીન સાથે સક્રિય છે, જ્યારે ગીર સોમનાથ જિલ્લો 11,000 હેક્ટર વાવેતર સાથે સમગ્ર રાજ્યમાં મોખરે છે. તેમાં પણ એકલા વેરાવળ પંથકના 6,500 હેક્ટરના વાવેતરે નવો રેકોર્ડ સર્જ્યો છે. બાગાયત વિભાગ હવે ગીર સોમનાથમાં દર વર્ષે વધુ 1,000 હેક્ટર વાવેતર વધારવા કટિબદ્ધ બન્યો છે.

ખેતીવાડી અધિકારી વિશાલ હદવાણીના જણાવ્યા મુજબ: ખેડૂતો હવે પરંપરાગત રીત છોડી લોટણ, દેશી, ટીડી, હાઈબ્રિડ ડીટી, ફોસનોબા અને બોના જેવી વૈવિધ્યસભર ઉચ્ચ ગુણવત્તાયુક્ત જાતોનું વાવેતર કરી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.

સરકાર અને બોર્ડ તરફથી સબસિડીનો ભારે સપોર્ટ સોરઠ ઉપરાંત ભાવનગરના મહુવા, વલસાડ, કચ્છ અને દેવભૂમિ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં પણ આ ખેતી ધમધમી રહી છે. રોકડિયા પાકને વેગ આપવા રાજ્ય સરકારે સહાયની રકમમાં મોટો ઉછાળો કર્યો છે:

  • રાજ્ય सरकार યોજના (બીટી નાળિયેરી માટે): અગાઉ પ્રતિ હેક્ટર મળતી ₹11,700 સહાય વધારીને હવે પ્રતિ હેક્ટર ₹37,500 કરવામાં આવી છે. મહત્તમ 4 હેક્ટર સુધી ખેડૂત કુલ ₹1.50 લાખ સુધીનું ઈન્સેન્ટિવ મેળવી શકે છે.

  • કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ: 2 હેક્ટરની મર્યાદા સુધી પ્રતિ હેક્ટર ₹16,000 મુજબ કુલ ₹32,000ની સબસિડી આપે છે. (ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ બેમાંથી એક યોજના પસંદ કરી શકે છે).

દક્ષિણ ભારતને માત આપતો સૌરાષ્ટ્રનો સ્વતંત્ર વેપાર માર્કેટ યાર્ડો પર નિર્ભર રહેવાને બદલે સૌરાષ્ટ્રના ખેડૂતોએ પોતે જ સક્ષમ વેચાણ નેટવર્ક ઊભું કર્યું છે. માંગરોળની વાડીઓમાંથી જ સીધા લીલા નાળિયેર ભરીને ટ્રકો મુંબઈ સુધી દોડે છે. કુકસવાડા અને ગડુ જેવા મુખ્ય સેન્ટરો પર દરરોજ કરોડોનો વેપાર થાય છે. દક્ષિણ ભારતથી આવતા નાળિયેરનું ટ્રાન્સપોર્ટેશન ભાડું વધી જતાં ઉત્તર અને મધ્ય ભારતના વેપારીઓ માટે સૌરાષ્ટ્રના નાળિયેર પ્રથમ પસંદગી બન્યા છે.

ગડુથી ચોરવાડ, કાણેક થઈ માંગરોળ સુધી તેમજ માનબારા અને માધવપુરથી પોરબંદરના પટ્ટા પર પસાર થતાં જ ચોમરફ લહેરાતી નાળિયેરીઓ જોઈને કોઈ પણ વ્યક્તિને ક્ષણભર માટે દક્ષિણ ભારતમાં હોવાનો આહલાદક અહેસાસ થાય છે.