ગુજરાતની સ્ટાર ક્રિકેટર યાસ્તિકા ભાટિયાએ રવિવારે ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે લોર્ડ્સમાં ટેસ્ટ સદી નોંધાવનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. આ સાથે જ તે ગુજરાતમાંથી લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર બીજી ક્રિકેટર પણ બની છે.
યાસ્તિકાએ 158 બોલમાં 113 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. આ સદી સાથે તેનું નામ લોર્ડ્સના પ્રતિષ્ઠિત 'Honours Board' પર નોંધાયું છે. ખાસ વાત એ છે કે લોર્ડ્સના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જ યાસ્તિકાએ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
1952 બાદ ગુજરાતના ખેલાડીએ ફરી લખ્યો ઇતિહાસ
આ પહેલા વર્ષ 1952માં ગુજરાતના દિગ્ગજ ક્રિકેટર વિનુ માંકડે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 184 રનની ઇનિંગ્સ રમી હતી. લગભગ 74 વર્ષ બાદ હવે યાસ્તિકા ભાટિયાએ લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સદી ફટકારીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
ગંભીર ઈજાથી મજબૂત વાપસી
ભારતના પૂર્વ ક્રિકેટર અને યાસ્તિકાના માર્ગદર્શક કિરણ મોરેએ જણાવ્યું કે, યાસ્તિકાની આ સિદ્ધિ ક્રિકેટના સૌથી પ્રેરણાદાયી કમબેકમાંની એક છે. થોડા વર્ષો પહેલાં તેને ડાબા પગના લિગામેન્ટમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહી હતી અને અનેક ટુર્નામેન્ટ પણ ચૂકી ગઈ હતી.
કિરણ મોરેએ કહ્યું કે, આવી ઈજાઓ ઘણી વખત ખેલાડીઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દેતી હોય છે, પરંતુ યાસ્તિકાએ હિંમત અને મહેનતના બળે જોરદાર વાપસી કરી અને ઇતિહાસ રચ્યો.
શિસ્તભરી બેટિંગથી જીત્યા દિલ
મોરેએ વધુમાં જણાવ્યું કે યાસ્તિકાએ ઇંગ્લેન્ડના બોલરો સામે અત્યંત શિસ્તબદ્ધ બેટિંગ કરી અને અનેક આકર્ષક શોટ રમ્યા. લોર્ડ્સમાં સદી ફટકારવાનું દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. આ સિદ્ધિ માટે બરોડા ક્રિકેટ એસોસિયેશન, ભારતીય ટીમ મેનેજમેન્ટ અને તેના સાથી ખેલાડીઓનો પણ મહત્વનો ફાળો રહ્યો છે.
પિતાએ વ્યક્ત કરી ખુશી
યાસ્તિકાના પિતા હરીશ ભાટિયાએ જણાવ્યું કે તેમની દીકરીએ ગંભીર ઈજાને હરાવીને ભારતીય ટીમમાં વાપસી કરી અને હવે લોર્ડ્સમાં સદી ફટકારી છે. તેમણે કહ્યું કે, "યાસ્તિકા હંમેશાં લડાયક ખેલાડી રહી છે અને તેની આ સિદ્ધિ માટે તે જોરદાર અભિનંદનની હકદાર છે."
8 વર્ષની ઉંમરે શરૂ કરી ક્રિકેટ સફર
યાસ્તિકાએ માત્ર 8 વર્ષની ઉંમરે વડોદરાના યુથ સર્વિસ સેન્ટર (YSC) ક્લબમાં ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તે ઝડપી બોલર બનવા માંગતી હતી, પરંતુ ટીમમાં વિકેટકીપરની જરૂર હોવાથી તેણે વિકેટકીપિંગ શરૂ કર્યું. થોડા જ સમયમાં તે આ ભૂમિકામાં નિપુણ બની ગઈ.
તેના સતત સારા પ્રદર્શનને કારણે **બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA)**એ તેને બરોડા અંડર-23 મહિલા ટીમની કેપ્ટન બનાવી હતી. તેના નેતૃત્વમાં ટીમે 2019ની મહિલા T20 ટુર્નામેન્ટમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
ભારત માટે અનેક મોટી ટુર્નામેન્ટમાં પ્રતિનિધિત્વ
યાસ્તિકાની પ્રતિભાના આધારે તેને પ્રથમ ઇન્ડિયા-A ટીમમાં સ્થાન મળ્યું હતું, જ્યાં ટીમે ACC Women's Emerging Asia Cup જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2022માં તેને પ્રથમ વખત ભારતીય મહિલા ટીમની વન-ડે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું. ત્યારથી તે ભારત માટે ત્રણ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં રમવાની સિદ્ધિ પણ મેળવી ચૂકી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ