જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના વધતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ કમિશનરે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની રચના કરી છે, જે હવે Public Examinations (Prevention of Unfair Means) Act, 2024 હેઠળ નોંધાતા પેપર લીક અને પરીક્ષા સંબંધિત ગુનાઓની તપાસ કરશે.
દિલ્હી પોલીસ દ્વારા શુક્રવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, નવી STFનું મુખ્ય લક્ષ્ય પેપર લીકના કેસોની ઝડપી, વ્યાવસાયિક અને વ્યાપક તપાસ કરીને દોષિતો સામે અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવાનું છે.
કયા કેસોની તપાસ કરશે STF?
નવી રચાયેલી STF UPSC, Staff Selection Commission (SSC), Railway Recruitment Boards (RRB), Institute of Banking Personnel Selection (IBPS), National Testing Agency (NTA) ની NEET, JEE, CUET, UGC-NET તેમજ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને તેમની સંલગ્ન કચેરીઓ દ્વારા યોજાતી ભરતી અને જાહેર પરીક્ષાઓ સંબંધિત પેપર લીક તથા ગેરરીતિના કેસોની તપાસ કરશે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સૂચિત કરવામાં આવતી અન્ય જાહેર પરીક્ષા સંસ્થાઓના કેસો પણ STFના કાર્યક્ષેત્રમાં આવશે.
STFનું નેતૃત્વ કોણ કરશે?
સત્તાવાર આદેશ મુજબ, ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) STFના વડા રહેશે. જ્યારે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ બ્રાન્ચ) સમગ્ર STFની કામગીરી, તપાસ અને વહીવટી નિયંત્રણની દેખરેખ રાખશે.
વધારાના પોલીસ કમિશનર રાજીવ રંજનના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ કમિશનર તપાસને અસરકારક બનાવવા અને કેસોના સફળ પ્રોસિક્યુશન માટે જરૂરી માર્ગદર્શન આપશે.
ઝડપી તપાસ અને દૈનિક સુનાવણી પર ભાર
નવી STF માત્ર તપાસ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ પ્રોસિક્યુશન એજન્સીઓ સાથે સંકલન પણ કરશે, જેથી પેપર લીક સંબંધિત કેસોમાં ઝડપથી ચાર્જશીટ દાખલ થાય અને કોર્ટમાં કેસોની દૈનિક ધોરણે સુનાવણી થઈ શકે.
અત્યાર સુધી કેવી રીતે થતી હતી તપાસ?
અત્યાર સુધી પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના કેસોની તપાસ અલગ-અલગ પોલીસ યુનિટ અથવા એજન્સીઓ દ્વારા કરવામાં આવતી હતી. દિલ્હી પોલીસે પ્રથમ વખત જાહેર પરીક્ષાઓ સંબંધિત ગુનાઓ માટે સમર્પિત STFની રચના કરી છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીકના કેસોની અસરકારક તપાસ માટે દિલ્હી પોલીસે આ વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે. તેના કારણે લાખો ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિમાં જાહેર પરીક્ષાઓની પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસે આ વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી છે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ