ગુજરાતના જામનગર શહેરે રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલી 10મી દક્ષિણ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની મહિલા એથ્લીટ યશસ્વીસિંહ ચરકે શાનદાર પ્રદર્શન કરીને રજત પદક (સિલ્વર મેડલ) પોતાના નામે કર્યો છે.
ઢાકા ખાતે યોજાઈ હતી સ્પર્ધા
સાઉથ એશિયન કરાટે ડો ફેડરેશન (SAKF) દ્વારા 15 થી 19 જુલાઈ, 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે SAKF એ વર્લ્ડ કરાટે ફેડરેશન (WKF) અને એશિયન કરાટે ફેડરેશન (AKF) દ્વારા અધિકૃત રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થા છે.
મહેનત અને સચોટ માર્ગદર્શનનું પરિણામ
યશસ્વીસિંહ ચરકે આ સ્પર્ધામાં ઉત્કલ કરાટે સ્કૂલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની આ સફળતા પાછળ રિલાયન્સ ગ્રીન્સ-RSCC, KDARFS તેમજ તેમના કોચ ઉમાકાંત સેનાપતિનું વિશેષ માર્ગદર્શન અને તાલીમ રહેલાં છે. કઠિન પરિશ્રમ અને કૌશલ્યના બળે તેમણે ભારત માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે.
જિલ્લા રમતગમત વિભાગ દ્વારા બહુમાન
આ વિશિષ્ટ સિદ્ધિ બદલ જામનગરના જિલ્લા રમતગમત અધિકારી બી. જે. રાવલિયા દ્વારા યશસ્વીસિંહ ચરક અને તેમના કોચ ઉમાકાંત સેનાપતિનું વિશેષ રૂપે સન્માન કરવામાં આવ્યું હતું. અધિકારીશ્રીએ ખેલાડીના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને કોચના નિષ્ઠાપૂર્વકના માર્ગદર્શનને બિરદાવીને તેમને ભવિષ્યની રમતગમત સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
યશસ્વીસિંહની આ આંતરરાષ્ટ્રીય સફળતાથી જામનગર અને સમગ્ર ગુજરાતમાં હરખની હેલી છવાઈ છે, જે રાજ્યના અન્ય ઉભરતા યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણાસ્રોત બનશે.
સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાવ